ગુજરાત
News of Thursday, 13th May 2021

આણંદ:આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામે ફાર્મહાઉસમાં સવારના સુમારે પોલીસે છાપો મારી દારૂની મહેફિલ માણી રહેલ ચાર યુવતી સહીત 13 અન્ય શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

આણંદ : કોરોનાના કપરાં કાળ વચ્ચે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામે આવેલ એક ફાર્મહાઉસમાં આજે વહેલી સવારના સુમારે આંકલાવ પોલીસે ઓચિંતો છાપો મારીને મ્યુઝીક સીસ્ટમ સાથે શરાબની મહેફિલ માણતી ૪ યુવતીઓ સહિત ૧૩ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડતા ભારે ચકચાર મચી છે. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ તથા લક્ઝરીયસ વાહનો મળી કુલ્લે રૂા.૨૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામના કોલોની વિસ્તારમાં આવેલ ફાર્મહાઉસના હોલમાં કેટલાક શખ્શો એકત્ર થઈ મ્યુઝીક સીસ્ટમના મોટા અવાજ સાથે મહેફિલ માણી રહ્યા હોવાની ગુપ્ત બાતમી આંકલાવ પોલીસને મળી હતી. મળેલ બાતમીના આધારે આંકલાવ પોલીસની ટીમે વહેલી પરોઢના સુમારે ફાર્મહાઉસ ખાતે ઓચિંતો છાપો મારતા ૪ યુવતીઓ સહિત ૧૩ નબીરાંઓ રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા.

 પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો મળી આવી હતી અને સ્થળ ઉપર હાજર તમામ નબીરાંઓ મ્યુઝીકના તાલે માસ્ક પહેર્યા વિના સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરી નશામાં નાચગાન કરી રહ્યા હતા. પોલીસે ફાર્મહાઉસના કંપાઉન્ડમાંથી લક્ઝુરીયસ બે કાર તથા મોટરસાયકલ મળી કુલ્લે રૂા.૨૦.૦૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(5:21 pm IST)