ગુજરાત
News of Thursday, 13th May 2021

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે સાદગીથી કાલે પૂજન : 24મીએ જળયાત્રા યોજવા મામલે અવઢવ

કાલે મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં ત્રણેય રથનું પૂજન

અમદાવાદ :કોરોનાના કારણે ગત વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાના કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી.બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તોમાં રથયાત્રાને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.તેની સાથે જ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તો માં તાલાવેલી જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે ભગવાનના પૂજા તથા વિધિ શક્ય બનશે કે કેમ ? તે અંગે લોકોમાં પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરના ટ્રસ્ટી એ આ અંગે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આવતીકાલે શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ રથનું પૂજન કરવામાં આવશે. રથપૂજનમાં કોઈ મહાનુભાવોને આમંત્રણ આપવામાં નથી આવ્યું અને ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવશે.

24મી જૂને પણ જળયાત્રા કઈ રીતે કાઢવી એ મામલે હજી નિર્ણય લેવાયો નથી. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

(12:38 pm IST)