ગુજરાત
News of Thursday, 13th May 2021

ગ્રાહકો આવતા નથીઃ નફો થતો નથીઃ મોલની અનેક દુકાનોને અલીગઢી તાળા

કોરોનાને કારણે મોલ્સમાં લોકોની અવરજવર ઓછી થઈ ગઈઃ ભાડાં પોસાતા નથી તો રિટેલર્સ બંધ કરી રહ્યા છે પોતાની દુકાનો : લોકડાઉનને કારણે રિટેલ સેકટરને ભારે નુકસાન : કોન્ટ્રાકટ ટર્મિનેટ કરવાની માંગ કરી રહ્યા છે દુકાનદારો : ગ્રાહકોની સંખ્યા ૫૦ ટકા ઘટી, વેપારમાં ૩૦ ટકાનો ઘટાડો

અમદાવાદ, તા.૧૩: શકય છે કે હવે તમે કોઈ મોલમાં તમારા મનપસંદ સ્ટોરમાં શોપિંગ કરવા જાઓ તો તમને તે સ્ટોરના શટર બંધ જોવા મળે. આંશિક લોકડાઉન તેમજ રાજય સરકાર દ્વારા લાદવામાં આવેલા અન્ય નિયંત્રણોને કારણે રિટેલ સેકટરને ભારે નુકસાન થયું છે. મોલમાં દુકાનો ધરાવતા વેપારીઓ ખાસ પ્રભાવિત થયા છે. આ નુકસાન એટલું વધારે હશે કે મોલના માલિકોને દ્યણી બધી દુકાનો તરફથી કોન્ટ્રાકટ ટર્મિનેટ કરવાની વિનંતીઓ મળી રહી છે.

માર્ચ, ૨૦૨૧થી જ અમદાવાદના મોલ શનિવાર અને રવિવારના રોજ બંધ રાખવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. રાજય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈનમાં ૨૯મી એપ્રિલથી સંપૂર્ણપણે મોલ્સ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. અમદાવાદના એક મોલના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર આદિત્ય શાહ જણાવે છે કે, અમુક દુકાનદારોએ અમને કોન્ટ્રાકટ ટર્મિનેશન નોટિસ મોકલી છે. ગયા વર્ષના લોકડાઉન પછી ભાડામાં થોડો ઘટાડો પણ કરવામાં આવ્યોછે. પરંતુ રિટેલર્સની સ્થિતિ એટલી ખરાબ છે કે તેમણે આવા નિર્ણય લેવા પડી રહ્યા છે. નફો ન થતો હોવાને કારણે દુકાનો ચલાવવી મુશ્કેલ પડી જાય છે અને બ્રાન્ડ તરફથી પણ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે અથવા તેમના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે જાન્યુઆરીના અંત સુધીમાં પરિસ્થિતિ થોડી સામાન્ય થવા લાગી હતી, પરંતુ માર્ચ મહિનામાં લોકોએ ફરીથી મોલની મુલાકાત લેવાનું બંધ કરી દીધુ હતું. ઈન્ડસ્ટ્રીના અનુમાન અનુસાક ત્યારથી લઈને લગભગ ૫૦ ટકા વેપાર પ્રભાવિત થયો છે. અમદાવાદના એક મોલમાં કપડાની દુકાન ધરાવતા રક્ષિત દેસાઈ જણાવે છે કે, મોલમાંઆવનારા લોકોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે એપ્રિલ મહિનામાં ૩૦ ટકા વેપાર ઓછો થયો હતો. કારણકે લોકો મોટાભાગે વીકેન્ડ પર શોપિંગ કરવાનું પસંદ કરતા હોય છે. એપ્રિલમાં થયેલા નુકસાનને કારણે જે મોલમાં મારી દુકાન છે ત્યાંની ઘણી દુકાનો કાયમ માટે બંધ કરી દેવામાં આવી છે.

જે દુકાનો બંધ થઈ ગઈ છે તેમાંની મોટાભાગની લકઝરી બ્રાન્ડની દુકાનો છે અથવા કપડાની દુકાનો છે. ઈસ્કોન બાલાજી ગ્રુપના મેનેજિંગ ડિરેકટર જયેશ કોટક જણાવે છે કે, કોરોનાની બીજી લહેર ઘણી ખતરનાક છે, માટે મોટાભાગના લોકો દ્યરે જ રહેવાનું પસંદ કરે છે. મોલમાં આવતા લોકોની સંખ્યામાં દ્યટાડો થવાના પરિણામે વેપારીઓને ભારે નુકસાન થયું છે. દુકાનોના ભાડામાં દ્યટાડો કરવામાં આવ્યો તેમજ અન્ય રાહત આપી હોવા છતાં ઘણી દુકાનો કોન્ટ્રાકટ કેન્સલ કરવા માંગે છે.

આ પરિસ્થિતિ મોલના માલિકો માટે પણ ચિંતાજનક છે, કારણકે સિકયોરિટી, સ્ટાફના પગાર, મોલની સફાઈ અને જાળવણી, બિલ, ટેકસ વગેરે જેવા ખર્ચ પૂરા પાડવા માટે તેમને પણ આવકની જરૂર હોય છે. ઘણાં મોલના માલિકોએ જાહેર કર્યું છે કે વેપાર પ્રભાવિત થવાને કારણે તેઓ પ્રોપર્ટી ટેકસ નહીં ભરી શકે. જો કે ઘણાં મોલમાં રિટેલર્સને ૫૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું છે, પરંતુ નુકસાનની ભરપાઈ કરવી વિક્રેતાઓ માટે મુશ્કેલ છે.

(11:48 am IST)