ગુજરાત
News of Wednesday, 13th May 2020

કોરોના વાયરસ સામેની લડાઈમાં રાજપીપળા જિલ્લા જેલના બંદીવાને માસ્ક બનાવી દેશસેવાના કાર્યમાં સહભાગી બન્યા

અત્યાર સુધી અંદાજે ૩૫૦ જેટલા માસ્ક વિનામૂલ્યે બનાવી જેલના બંદીવાનો અને જેલના સ્ટાફને વિતરણ કરવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરાના સંક્રમણને રોકવા માટે ચહેરા પર બાંધવા માટેના માસ્ક અસરકારક સાબિત થયા છે એ બાબતે રાજપીપળાની જીતનગર જેલના પાકા કામના બંદીવાન દિનેશભાઇ ચતુરભાઇ રાવલીયા જેલમાં જ માસ્ક બનાવવાની કામગીરી કરી રહ્યા છે.એક દિવસ માં અંદાજે ૨૦ થી ૨૫ જેટલાં માસ્ક બનાવવામાં આવે છે. અત્યાર સુધી અંદાજે ૩૫૦ જેટલા માસ્ક બનાવીને દેશસેવાના કાર્યમાં સહ ભાગી બન્યા છે.તેમણે બનાવેલા આ માસ્ક જિલ્લાના બંદીવાનો તેમજ જેલના સ્ટાફને વિનામૂલ્યે પુરા પાડવામાં આવ્યા છે.
જિલ્લા જેલના અધિક્ષક એલ.એમ.ગામારાએ જણાવ્યું હતું કે, હાલમાં નોવેલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે,ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે.આ બંદીવાન દ્વારા માસ્ક બનાવવામાં આવે છે તેમજ જિલ્લાના તમામ બંદીવાન અને સ્ટાફને માસ્ક વિના મુલ્યે પુરા પાડવામાં આવ્યા છે. માસ્ક બનાવીને આ બંદીવાને સમાજ સેવા અને દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
જિલ્લા જેલના પાકા કામના બંદીવાન દિનેશભાઇ રાવલીયા એ જણાવ્યું કે હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે માસ્ક હોવું ખૂબ જ જરૂરી છે ત્યારે મને એમ થયું કે લાવ હું પણ દેશ સેવાના કાર્યમાં સહભાગી બનવા માટે માસ્ક બનાવું.માટે મેં આ શરૂઆત કરી અને માસ્ક બનાવવાની કામગીરીથી હું અંત્યત ખુશ છું.

(6:30 pm IST)