ગુજરાત
News of Wednesday, 13th May 2020

આઇસ્ક્રીમ-કોલ્ડ્રીંકસ વિતરકોને ૧૭મી બાદ વેચાણની મંજૂરી

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સ્પષ્ટતા સાથે આપી મંજૂરી : આઈસ્ક્રીમ-કોલ્ડ્રીંક્સથી કોરોનાનું સંક્રમણ ફેલાતું નથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સ્પષ્ટતા બાદ સરકારનો નિર્ણય

અમદાવાદ,તા.૧૨ :  ગુજરાતમાં કોરોના વાયરસે ભારે હાહાકાર અને આંતક મચાવ્યો છે, સાથે સાથે ઉનાળાના તાપનાં કારણે અમદાવાદીઓ ઘરમાં જ ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ બધા વચ્ચે થોડા રાહતનાં સમાચાર આવ્યા છે. કેન્દ્રનાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરોટી ઓફ ઈન્ડિયાએ કોલ્ડ ડ્રિંક્સ, આઈસક્રીમ અને ફ્રોઝન ફૂડ જેવી ખાદ્યચીજોથી કોરોનાનું સંક્રમણ થતું ન હોવાની ગાઈડલાઈન્સ દરેક રાજ્યોને મોકલી છે. ત્યારે આ ગાઈડલાઈનનાં મુજબ ગુજરાતમાં કોલ્ડ્રીંક્સ અને આઈસ્ક્રીમના વેચાણમાં છૂટ મળી શકે છે, ફૂડ કમિશ્નર કોશિયાએ તમામ કમિશ્નરોને પત્ર લખ્યો છે. ઠંડા પીણાંથી કોરોના ન ફેલાતો હોવાથી છૂટ મળી શકે છે. સરકારે તા.૧૭મી મે બાદ આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંકસ વિતરકોને વેચાણની મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

          સરકારના આ રાહતભર્યા નિર્ણયને પગલે રાજયભરના આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વિતરકોમાં ભારે રાહત અને ખુશીની લાગણી ફેલાઇ છે. ગુજરાતમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વેચવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મંજૂરી આપી છે. આ અંગે રાજયના તમામ જીલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરાઇ છે. જેમાં એવી સ્પષ્ટતા કરાઇ છે કે આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સથી કોરોનાનું સંક્રમણ ફેલાતું નથી.આ મંજુરી મુજબ આગામી તા.૧૭ મે બાદ આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વિતરકોને વેચાણ માટે મંજુરી આપવામા આવશે. આ સંજોગોમાં હવે આઈસક્રીમ પાર્લરો, દુકાનના માલિકો માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર દ્વારા આ ચોખવટ કરતાં હવે તા.૧૭ મે બાદ આવા દુકાનદારો આ ખાદ્યચીજોનું ખરીદ, વેચાણ કરી શકશે. સરકારના આ નિર્ણયને પગલે રાજયભરના આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વિતરકોમાં ભારે રાહત અને ખુશીની લાગણી ફેલાઇ છે. તો, ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંકસ રસિયાઓને હવે આઇસ્ક્રીમ, કોલ્ડ્રીંકસ સહિતની ઠંડી પ્રોડ્ક્ટસનો આસ્વાદ માણવા મળશે.

(10:13 pm IST)