ગાંધીનગરમાં પ્રેમ જાળમાં ફસાવી મહિલા પાસેથી 25 લાખ પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ
ગાંધીનગર: શહેરમાં પતિથી ચાર વર્ષથી અલગ રહેતી ૪૭ વર્ષીય મહિલાને પ્રેમજાળમાં ફસાવીને ૨૦ થી ૨૫ લાખ રૂપિયા પડાવી લઇ મારી નાંખવાની ધમકી આપવા બદલ સે-૨૩ના શખ્સ સામે ગુનો નોંધાયો છે. મહિલાએ આ શખ્સ સામે બળાત્કાર, મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. ઇન્ફોસિટી પોલીસે મહિલાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નવા ગાંધીનગર વિસ્તારમાં રહેતી ૪૭ વર્ષીય મહિલા છેલ્લા ૪ વર્ષથી પતિ અને બે બાળકોથી અલગ રહે છે. ગાંધીનગરમાં એક સ્થળે દુકાન ધરાવતી એકલવાયું જીવન જીવતી મહિલાની ઓળખાણ દોઢ વર્ષ પહેલાં હિમાંશુ પટેલ (આલેખ એપાર્ટમેન્ટ, સે-૨૩)નામના શખ્સ આવતો હતો. ઓળખાણ બાદ નંબરોની આપલે બાદ સામાન્ય વાતચીતો પછી હિમાંશુએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી.