ગુજરાત
News of Monday, 13th May 2019

મોડીરાત્રે પાછળનો દરવાજો ખોલી મહિલા સાથે અડપલાં : બુમાબુમ થતા પુત્ર-પુત્રી જાગ્યા :તમામ ઉપર ચપ્પુના ઘા ઝીકી આરોપી ફરાર

આહવાના પાયરઘોડી ગામે છેડતીની ઘટના લોહિયાળ બની:માજી સરપંચ પુત્રની કરતૂત :માતા-પુત્ર અને પુત્રીને ગંભીર ઇજા

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પાયરઘોડી ગામે છેડતીની ઘટના લોહિયાળ બની હતી. જેમાં 42 વર્ષીય મહિલા સાથે ગામના યુવાને મોડી રાત્રે ઘરના પાછળનો દરવાજો ખોલી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા. મહિલા જાગી જતા બુમાબૂબ કરતા ઘરના સભ્યોએ આરોપી પર હુમલો કર્યો હતો.

 આ ઘટનામાં આરોપીના ગળા અને ગાલના ભાગે ચપ્પુથી ઘા કરવામાં આવ્યા હતા. આમ, સામસામે હુમલો થતા ભોગ બનનાર મહિલા સહિત અન્ય એક મહિલાને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

 આ અંગે જાણવા મળ્યા મુજબ પાયરધોડી ગામના માજી સરપંચનો પુત્ર તુકારામ દેવરામ પવાર મોડી રાત્રે ગામમાં રહેતા શુક્કર રાઉતના ઘરે ઘૂસ્યો હતો. શુક્કર રાઉત કામથી બહારગામ ગયા હતા, તેથી તેણે રાત્રે ઘરનો પાછળનો દરવાજો ખોલીને ઘરમાં ઘૂસ્યો હતો. તેણે શુક્કર રાઉતની પત્ની ઈલાબેન રાઉત સાથે જબરદસ્તી કરી હતી, અને તેમને શારીરિક અડપલા પણ કર્યા હતા. જેથી તેમણે બૂમાબૂમ કરી હતી. આ જોઈને તેમના પુત્ર પુત્રી ઉઠ્યા હતા, અને દોડીને માતા પાસે આવી ગયા હતા.

 પકડાઈ ગયેલા તુકારામે ઈલાબેન, તેમના પુત્ર જ્ઞાનેશ્વર રાઉત તથા પુત્રી સોનાલી રાઉત પર ચાકૂથી હુમલો કર્યો હતો, જેમાં તે બંને ઘાયલ થયા હતા. આમ, ત્રણેય પર ચપ્પુના ઘા ઝીંકીને તે ભાગી ગયો હતો. જેના બાદ ત્રણેય ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

 તબીબોએ ત્રણેયની હાલત નાજુક હોવાનું જણાવ્યું હતું. ઈલાબેનની ફરિયાદના આધારે આહવા પોલીસ દોડતી થઈ હતી, અને ગણતરીના કલાકોમાં આરોપ તુકારામ પવારને ઝડપી પાડ્યો હતો. 

(2:38 pm IST)