ગુજરાત
News of Tuesday, 13th April 2021

કોરોના કાળમાં જ્ઞાતિ ધર્મના વાડા ભુલાયા : વડોદરામાં કોરોના કેસો સામે લડવા મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદમાં કોવિડ સેન્ટર ચાલુ કરાયું : જહાંગીરપુરની મસ્જિદમાં કોરોના દર્દીઓની સારવાર માટે પાંચ ડોક્ટરોની ટિમ રાઉન્ડ કલોક હાજર રહેશે

વડોદરા: રાજયમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઘણા એવા શહેરોમાં વધી રહેલા કેસને લઈ હોસ્પિટલો ફુલ થઈ ગયા છે જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં પણ હૉસ્પિટલો ફુલ થઇ ગઇ છે. વડોદરાના જહાંગીરપુરામાં આવેલ એક મસ્જિદમાં કોવિડ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેમાં 50 જેટલા બેડ રાખવામાં આવ્યા છે અને દર્દીઓની સારવાર કરવા માટે 5 ડોક્ટરો સેવા માટે 24 કલાક હાજર રહેશે.

વડોદરાના જહાંગીરપુરા ખાતે એક મસ્જિદમાં મુસ્લિમો દ્વારા કોવિડ સેન્ટર ખોલવામાં આવ્યું છે. જેમાં તમામ ધર્મના લોકોને અહીંયા સારવાર આપવામાં આવશે. મુસ્લિમ સમાજ દ્વારા વડોદરાના મોગલવાડા વિસ્તારમાં આવેલા જહાંગીરપુમાં આવેલ મસ્જિદની ઉપર કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ડોક્ટરની ટીમ અને સ્ટાફ 24 કલાક ફરજ પર હાજર રહેશે અને દર્દીઓની સારવાર કરશે. આ કોવિડ સેન્ટરમાં ઓક્સિજનની પણ સુવિધા કરવામાં આવી છે. મસ્જિદમાં ઉભું કરવામાં આવેલ આ કોવિડ સેન્ટરમાં 50 બેડની સુવિધા કરવામાં આવી છે. ફક્ત મુસ્લિમ નહી પરતું અહીંય મસ્જીદમાં બનાવવામાં આવેલ કોવિડ સેન્ટરમાં દરેક ધર્મના લોકો જે કોરોના પોઝિટિવ હશે તેવા લોકોને સારવાર આપવામાં આવશે.

વડોદરામાં કોરોનાને કારણે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયા છે અને લોકોને સારવાર લેવા માટે તકલીફ પણ પડી રહી છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલો અને સ્મશાન ગૃહમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. સરકારી આંકડાઓમાં ભલે 2-3 વ્યક્તિના મોત થયાની વાત કહેવાઇ રહી હોય, પરંતુ, સ્મશાન અને કોવિડ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવેલા મૃતદેહોનું દ્રશ્ય કંઇક અલગ જ કહાની રજૂ કરી રહ્યું છે.

રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના પોઝિટિવ કેસ 6 હજારની પાર ગયા છે. રાજ્યમાં કોવિડ-19ના 6,021 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 55 લોકોના મોત થયા છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ-સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે સુરત શહેરમાં 18 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. વડોદરામાં પણ 7 લોકોના મોત થયા છે જ્યારે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 6 લોકોના મોત થયા છે. ભરૂચ-બોટાદ-સાબરકાંઠા અને સુરતમાં 1-1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં આ સાથે જ 55 લોકોએ જીવ ગુમાવ્યો છે.

(8:49 pm IST)