વડોદરા નજીક પાદરા તાલુકાના લતીપુરા ખાતે યુવક બાઈક સાથે કેનાલમાં ખાબકતા મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી
વડોદરા:નજીકના પાદરા તાલુકાના લતીપુરા ખાતે ગઇરાતે એક યુવક બાઇક સાથે કેનાલમાં પડતાં તેનું મોત નીપજ્યું હોવાનો કમકમાટી ભર્યો બનાવ બનતાં પાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, પાદરાના પીપળી ગામે રહેતો અને વડોદરાના ગોત્રી-વાસણા રોડ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતો પ્રદિપ નટુભાઇ પરમાર(૨૩) નામનો યુવક ગઇકાલે મોડી સાંજે નોકરી પર જવા નીકળ્યા બાદ આજે સવારે પરત નહીંં ફરતાં કુટુંબીજનોએ તપાસ કરી હતી.
આ દરમિયાન લતીપુરા કેનાલમાં યુવકની મોટરસાઇકલ નજરે પડી હતી.તલાટીએ વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેતાં ફાયર બ્રિગેડે બાઇક બહાર કાઢી યુવકના મૃતદેહને શોધી કાઢ્યો હતો.બનાવના સ્થળે પાદરા પોલીસ પણ દોડી આવી હતી.
પોલીસનું માનવું છે કે,આ યુવક પસાર થતો હશે ત્યારે કોઇ વાહને ટક્કર મારી હોવાની કે પછી લાઇટ વડે અંજાઇ જઇને તેણે બેલેન્સ ગુમાવ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે.યુવક પાળી તોડીને બાઇક સાથે અંદર ઉતરી ગયો હતો.આ બનાવ અંગે વધુ તપાસ જારી રાખવામાં આવી છે.