ગુજરાત
News of Tuesday, 13th April 2021

SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વકતાપદે તા.૧૩ એપ્રિલ થી દરરોજ રાતે ૮ કલાકે ઓન લાઇન શ્રી સત્સંગિજીવન કથા શ્રવણ

અમદાવાદ તા.૧3 શ્રી સત્સંગિજીવન ગ્રન્થ તો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ છે. જેના લેખક ભગવાનનો હૃદગત અભિપ્રાય જાણનારા શતાનંદ મુનિ છે.

ગ્રન્થના લેખન બાદ ભગવાન શ્રી સ્વામિનારાયણે તે ગ્રન્થ વાંચી સાંભળીને પ્રશંસા કરીને કહ્યું કે આ શાસ્ત્ર અતિ રમણીય અને સર્વશાસ્ત્રોમાં શિરોમણી  છે.

   સત્સંગીજીવન ગ્રન્થ વિશ્વના તમામ આત્માઓનાં અંધારા ઉલેચનાર જ્યોત સમાન છે.

   આ ગ્રન્થ તો આકાશમાં ઉદય પામેલા ઝળહળતા સૂર્ય સમાન છે. સંત શિરોમણિ મુક્તાનંદ સ્વામીએ આ સત્સંગીજીવન માહાત્મ્યમાં આ ગ્રન્થને સૂર્યની ઉપમાં આપેલ છે.

   આ સત્સંગીજીવન ગ્રન્થ અંતર્ગત ચતુર્થ પ્રકરણમાં રહેલ વિવિધ વિષયો જેવાકે  ભાગવત રહસ્ય, લોયા શાકોત્સવ, માઘ સ્નાનનો મહિમા, પંચાળાનો રાસ, અમદાવાદ-ભૂજ-વડતાલ-ધોલેરા-દેવોની પ્રતિષ્ઠા, વડોદરામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય, શિક્ષાપત્રી લેખન, સ્ત્રીઓ, ગૃહસ્થ વગેરેના ધર્મો, બારમાસના ઉત્સવો વગેરે તથા સ્વામિનારાયણ  સંપ્રદાયના સંતો અને હરિભકતોના આખ્યાનોની કથા તા. ૧૩-૪-૨૦૨૧ ચૈત્ર માસ પ્રારંભે મંગળવારથી દરરોજ ઓન લાઇન, રાતે ૮ થી ૯ SGVP ગુરુકુલના અધ્યક્ષ શ્રી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વકતાપદે યોજાય રહેલ છે.

 તેનું લાઇવ પ્રસારણ યુ ટ્યુબ ચેનલ (ગુરુકુલ પરિવાર) ઉપર કરવામા આવશે. જેનો  દેશ વિદેશના હજારો ભાવિક લોકો લાભ લેશે.

કોરોના મહામારીનો કોપ ઓછો થાય તે માટે કથા સમાપ્તિ બાદ દરરોજ પ્રાર્થના રુપે ધૂન કરવામાં આવશે.

(11:52 am IST)