ગુજરાત
News of Tuesday, 13th April 2021

મૃતદેહ મેળવવામાં ૮ કલાક પછી સ્મશાનમાં પણ ૮ કલાકનું વેઇટીંગ

પોતાના સ્વજનોના મૃતદેહ મેળવવામાં પણ આટલી લાચારી અનુભવીને ભલભલા ભડવીરનું હૃદય પણ ચીરાય જાય : કોરોનાએ અમદાવાદીઓને ભૂંડા દિવસો દેખાડયા

અમદાવાદ તા. ૧૩ : વાડજમાં રહેતા મનોજ ચાવાડાની આંખમાંથી આસું સુકાતા નથી. તેમના માતાના મોતથી દુઃખ તો થયું છે પરંતુ તેના કરતા વધારે સંતાપ તેમના હૃદયમાં એ વાતનો છે કે એવા સંજોગોમાં માતાનું મોત થયું છે કે તેઓ યોગ્ય રીતે અગ્નિ સંસ્કાર પણ કરી શકે તેમ નથી. એટલું જ નહીં અંતિમ યાત્રા સહિતની પરંપરા અને લોકાચાર ન કરી શકવાથી મનમાં એક વસવસો તેમને અંદરથી કોરી ખાઈ રહ્યો છે. ૧૨૦૦ બેડની કોરોના ડેઝિગ્નેટેડ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર બેઠેલા મનોજ ચાવડાના માતા સોમવારે વહેલી સવારે મૃત્યુ પામ્યા હોવાની તેમને જાણ કરવામાં આવી ત્યારથી વહેલી સવારથી તેઓ હોસ્પિટલમાં મૃતદેહ ઘરની બહાર પોતાનો નંબર કયારે આવશે તેની રાહ જોઈને બેઠા છે. પોતાના સ્વજનોના મૃતદેહ મેળવવામાં પણ આટલી લાચારી અનુભવીને ભલભલા ભડવીરનું હૃદય પણ ચીરાય જાય.

ચાવડાએ જણાવ્યું કે, 'અમે સવારના ૭ વાગ્યાથી આવી ગયા છીએ અને ૨ વાગ્યા સુધી મૃતદેહ ઘરની બહાર લાઈનમાં ઉભા હતા. અમારો નંબર આવે તે પહેલા અહીંથી કેટલા લોકોને તેમના સ્વજનોના મૃતદેહ મળ્યા તેની ગણતરી પણ હવે તો ભૂલી ગયા છીએ. અમે બસ શૂન્યમનસ્ક થઈને અમારું નામ કયારે બોલાય તેની રાહ જોઈ રહ્યા હતા. ખાવા પીવાની પણ કોઈ સુધબુધ નહોતી રહી.'

તેમણે આગળ હૈયુ ચીરાય જાય તેવા ભારે ભરખમ અવાજ સાથે કહ્યું કે, 'આટ આટલો સમય રાહ જોયા પછી જયારે મારા માતાનો પાર્થિવ દેહ મળ્યો ત્યારે પણ સ્થિતિ એવી હતી કે હવે તેમને અગ્નિ સંસ્કાર માટે કઈ રીતે લઈ જવા કારણ કે શબ વાહિનીઓ પણ ખૂટી પડે તેવી સ્થિતિ હતી. આટલી રાહ જોયા પછી હવે શબ વાહિની માટે પણ રાહ જોવાની અમારી મનઃસ્થિતિ નહોતી. અમે જરા પણ મોડું કર્યા વગર એક મિનિ ટ્રકની વ્યવસ્થા કરી અને તેમના દેહને સ્મશાન લઈ ગયા. જોકે કયારેય કલ્પના પણ નહોતી કરી કે તેમની અંતિમ યાત્રા આવી રીતે કાઢવી પડશે. મને નથી ખબર પડતી કે આ મહામારીમા હજુ કેવા દિવસો જોવા પડશે.'

જોકે વિધિની વક્રતા જુઓ કે ચાવડાના દુઃખનો અંત ત્યાં જ નથી આવતો. તેઓ વાડજ સ્મશાને પહોંચ્યા તો ત્યાં પણ ૧૦ જેટલા વાહનો મૃતદેહોને લઈ અગ્નિ સંસ્કાર માટે પોતાનો નંબર આવે તેની રાહ જોતા ઉભા હતા. સ્મશાનમાંથી કહેવામાં આવ્યું કે ચાવડાને પોતાના માતાને અગ્નિદાહ આપવા માટે બીજા ૬થી ૮ કલાકની રાહ જોવી પડશે. ચાવડા એકલા જ આવી સ્થિતિમાંથી પસાર નથી થયા. લગભગ દરેક કોરોનાથી મૃત્યુપામેલા વ્યકિતના પરિવારની આ જ લાચારી અને દુઃખથી ભરેલી કહાણી છે.

સ્મશાનના કર્મચારીઓએ કહ્યું કે કોવિડ દર્દીઓના દેહે ગેસ ચેમ્બરમાં બાળવામા આવે છે. જયારે સામાન્ય મૃતકના શરીરને ચિતા પર રાખીને બાળવામાં આવે છે. અધિકારીઓએ કહ્યું કે સતત કોરોના મૃતદેહોના આવવાના કારણે સ્થિતિ ખૂબ જ વિપરિત બની ગઈ છે. શહેરના બે મુખ્ય સ્મશાનમાં ગેસ આધારિત ચેમ્બરના સતત ઉપયોગના કારણે તેમની ચિમની બદલવાની ફરજ પડી છે. એક શરીરને બાળવા માટે આશરે ૧ કલાક જેટલો સમય જોઈએ છે. તેથી જો સ્મશાનમાં બે ચેમ્બર હોય તો પણ છઠ્ઠા નંબરે રહેલા વ્યકિતના મૃતદેહને આશરે ૨ કલાક જેટલો સમય રાહ જોવી પડે છે.

જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિવિલ ઓથોરિટીએ સ્મશાન ગૃહો બહાર લાંબી લાઈનોને ટાળવા અને તેના કારણે ઉદભવતા ભયને ઓછો કરવા માટે એક સિસ્ટમ વિકસાવી છે જેના આધારે તેઓ દર્દીના સગાને જણાવે છે કે તેમને કયારે મૃતદેહ મળશે અને કયારે સ્મશાનમાં તેમનો નંબર આવશે.

(10:31 am IST)