ગુજરાત
News of Tuesday, 13th April 2021

કોવિડનો કાળોકેર છતાં માર્ચમાં પ્રોપર્ટીના દસ્‍તાવેજોમાં ૧૦૬ ટકાનો ઉછાળો

ગુજરાત સરકારની સ્‍ટેમ્‍પ ડયુટીની આવકમાં પણ ૧૪૬ ટકાનો ઉછાળો નોંધાયોઃ ગયા વર્ષે રૂા. ૫૦૧ કરોડ હતી જે આ વર્ષે માર્ચમાં રૂા. ૧૨૩૫ કરોડ નોંધાઈ : માર્ચમાં રાજ્‍યમાં થયા કુલ ૧૬૧૬૯૩ દસ્‍તાવેજોઃ અગાઉના વર્ષમાં માર્ચ મહિનામાં થયા હતા ૭૮૫૮૪ દસ્‍તાવેજો

નવી દિલ્‍હી, તા. ૧૩ :. ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસ અને મૃત્‍યુઆંકમાં થઈ રહેલો વધારો તથા વાયરસની વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો પર પડેલી માઠી અસર છતાં પણ માર્ચ મહિનામાં રાજ્‍યમાં પ્રોપર્ટી રજીસ્‍ટ્રેશનમાં ૧૦૬ ટકાનો ઉછાળો નોંધાયો છે એટલુ જ નહિ સ્‍ટેમ્‍પડયુટી અને રજીસ્‍ટ્રેશન ફીની આવકમાં પણ જબરો વધારો નોંધાયો છે ત્‍યારે પ્રશ્ન ઉઠે છે કે ગુજરાતમાં રીયલ એસ્‍ટેટમાં ક્‍યાં મંદી છે ?

માર્ચ ૨૦૨૧માં કોરોનાએ બિહામણુ સ્‍વરૂપ ધારણ કરવાનુ શરૂ કર્યુ ત્‍યારે જ તે ગાળામાં કુલ ૧૬૧૬૯૩ દસ્‍તાવેજો નોંધાયા હતા અને તેમાં ૧૦૬ ટકાનો ઉછાળો જોવા મળ્‍યો હતો. માર્ચ ૨૦૨૦માં ૭૮૫૮૪ દસ્‍તાવેજો નોંધાયા હતા એ અત્રે નોંધનીય છે.

સ્‍ટેમ્‍પડયુટી અને રજીસ્‍ટ્રેશન ફી કે જેનુ કલેકશન રાજ્‍ય સરકાર કરતી હોય છે તેમા પણ ૧૪૬ ટકાનો વધારો નોંધાયો છે અને તે ગયા વર્ષના રૂા. ૫૦૧ કરોડના કલેકશન સામે રૂા. ૧૨૩૫ કરોડનું કલેકશન આ વર્ષે માર્ચમાં થયુ હતું. દસ્‍તાવેજોની સંખ્‍યા તથા સ્‍ટેમ્‍પડયુટી અને રજીસ્‍ટ્રેશન ફીમાંથી સરકારને થયેલી આવક માર્ચમાં સૌથી વધુ રહી હતી. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે એપ્રિલથી જંત્રી મોંઘી થવાની છે તેવી અફવાને પગલે માર્ચ મહિનામાં સૌથી વધુ દસ્‍તાવેજો નોંધાયા હતા અને તેથી જ સ્‍ટેમ્‍પડયુટી અને રજીસ્‍ટ્રેશન ફીની આવકમાં વધારો નોંધાયો હતો.

સૂત્રોનું એવુ પણ કહેવુ છે કે ટેકસનો મહિનો હોય માર્ચમાં સૌથી વધુ દસ્‍તાવેજો નોંધાયા હતા.

કોરોના પહેલા ૨૦૧૯-૨૦ના વર્ષમાં રાજ્‍ય સરકારની સ્‍ટેમ્‍પડયુટી અને રજીસ્‍ટ્રેશન ફીની આવક રૂા. ૭૬૯૭ કરોડ હતી તે ૨૦૨૦-૨૧માં ૪ ટકા ઘટીને ૭૩૬૪ કરોડ થઈ હતી. એટલુ જ નહિ ૨૦૧૯-૨૦માં ૧૨ લાખ દસ્‍તાવેજો નોંધાયા હતા તેની સામે ૨૦૨૦-૨૧માં કુલ ૧૧.૪૮ લાખ દસ્‍તાવેજોની નોંધણી થઈ હતી.

(10:11 am IST)