ગુજરાત
News of Saturday, 13th April 2019

અલ્પેશ ઠાકોર પર માછલા ધોવાયા, તેના સમાજે લગાવ્યા આરોપ

ચાણસ્મા ઠાકોર સમાજ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ :સમાજ માટે કામ કરવા માટે વચન આપ્યા પણ એક પણ કામ અલ્પેશ ઠાકોરે કર્યા નહી હોવાનો સમાજનો આક્રોશ

અમદાવાદ,તા. ૧૩ : રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષાવાળી રાજનીતિના કારણે અત્યારે તેના જ સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ચાણસ્મા ઠાકોર સમાજ દ્વારા અલ્પેશનો જોરદાર વિરોધ કરી તેની પર રીતસરના જાણે માછલા ધોવાયા હતા. સમાજ માટે કામ કરવાના વચનો આપ્યા પણ એક પણ કામ અલ્પેશ ઠાકોરે કર્યા નહી હોવાનો સમાજનો આક્રોશ સામે આવતાં અલ્પેશ વિરૂધ્ધ બળવો હવે એક પછી એક ખૂણેથી વધી રહ્યો છે અને જાહેરમાં સામે આવી રહ્યો છે. અલ્પેશ ઠાકોર દ્વારા આંદોલનો કરીને જ્યારે સમાજના લોકોને રોજગારી આપવાની વાતો થતી હતી. વિધવા મહિલાઓ જે દારૂના વ્યવસાય સાથે જોડાયેલી હતી, તેમને ભેંસો આપીને રોજગારી આપીને સમાજને સ્વચ્છ બનાવવાની વાતો આપી હતી અને સમાજના સંતોની કસમો ખાઈને રાજકારણમાં ના પ્રવેશવાની વાતો કરવામાં આવી હતી તે તમામ વાતો ખોટી સાબિત થતા આજે ચાણસ્મા ખાતે ઠાકોર સમાજના લોકો દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. ચાણસ્મા ઠાકોર સમાજ દ્વારા અલ્પેશના વિરૂધ્ધ અપાયેલા વિરોધ કાર્યક્રમને પગલે અલ્પેશ ઠાકોર અને તેના સમર્થકો-ટેકેદારોની ચિંતા વધી હતી. અલ્પેશ ઠાકોરના ભારે વિરોધ બાદ આજે ઠાકોર સેનાના નામે સદસ્ય બનાવવાના નામે ૪ લાખ લોકો પાસેથી ૧૦૦ રૂપિયા તેમજ મોલ બનાવીને ૧૧૦૦ રૂપિયા ઉઘરાવીને સમાજનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો તેવા આક્ષેપોથી આજે વાતાવરણ ગરમા હતું. ત્યારે આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારના મુદ્દે અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી શકે છે. ચાણસ્મા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો. સમાજ માટે કામ કરવાના વચનો આપ્યા પણ એક પણ કામ કર્યા નથી તેવા આક્ષેપ અલ્પેશ ઠાકોર સામે ખુદ સમાજના અગ્રણીઓ દ્વારા  કરાયા હતા. ચાણસ્મા અખિલ ક્ષત્રિય ઠાકોર સેના સમિતિનો આજે અલ્પેશ ઠાકોર સામેનો વિરોધ ખુલીને બહાર આવ્યો હતો. અલ્પેશ ઠાકોરે રૂપિયા ૧૦૦ લઈને મેમ્બરશીપ આપી હતી એનો હિસાબ આપવો જોઈએ તેમજ રોજગાર જેવા મુદ્દાઓ પર અલ્પેશ સામે ખુલાસો કરવો જોઇએ તેવી માંગણી પણ ચાણસ્મા ઠાકોર સમાજે ઉઠાવી હતી.

(9:26 pm IST)