ગુજરાત
News of Saturday, 13th April 2019

અલ્પેશ ભગવો ધારણ કરશે એવી અટકણોથી અમદાવાદ-સુરત સહિતના પરપ્રાંતિઓમાં ફેલાઇ નારાજગી

પરપ્રાંતિઓ હજુ અલ્પેશના ભડકાઉ પ્રવચનો ભુલ્યા નથી

અમદાવાદ, તા.૧૩: કોંગ્રેસમાંથી રાજીનામાંનું નાટક કરનારો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાનો છે એવી અટકળ માત્રથી અમદાવાદ-સુરત સહિત ગુજરાતભરમાં રહેતાં પરપ્રાંતિય સમુદાય અને ઉત્ત્।ર ગુજરાતમાં રહેતા ઠાકોરસમાજમાં નારાજગી ફેલાઇ છે.

પરપ્રાંતીઓ સામે આગ ઓકતા ભાષણોથી હિંસા ભડકાવનાર અલ્પેશને અત્યારે કે ચૂંટણી પછી તો નહીં જ પણ ભવિષ્યમાં પણ કયારેય ભાજપ નહીં સ્વીકારે એવી સત્તાવાર જાહેરાત નહીં કરાય તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં જ નહીં, દેશભરમાં ભાજપવિરોધી મતદાન કરાવવા પ્રરપ્રાંતીઓ સમાજ સક્રિય થયો છે.

બીજી તરફ ઠાકોરસમાજના નામે રાજકીય સોદાબાજી કરી મલાઇ ખાનારા અલ્પેશ સામે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં પણ ભારોભાર નારાજગી છે અને અલ્પેશ ભાજપમાં જોડાવાનો હોવાની ચર્ચાથી આ સમાજના લોકોએ પણ આ અંગે ભાજપ સ્પષ્ટતા કરે એવી માંગ કરી છે.

સાબરકાંઠામાં ૧૪ માસની બાળકી સાથે દુષ્કર્મને મુદ્દો બનાવી અલ્પેશે રાજયમાંથી પરપ્રાંતીઓને ભગાડવા માટે ભડકાઉ ભાષણો કર્યા હતા. જેનાથી રાજયભરમાં હિંસા ભડકી હતી અને પરપ્રાંતિયો કામધંધા છોડી હિજરત કરવા મજબૂર થયા હતા.

દરમિયાન અલ્પેશે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારે એક વેબ પોર્ટલ પર વહેતા થયેલા સમાચાર મુજબ ભાજપના જુનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાંએ એવું નિવેદન આપ્યું હતું કે જો અલ્પેશ ભાજપમાં જોડાય તો સૌરાષ્ટ્રની દ્યણી બેઠકો પર પક્ષને લાભ થઇ શકે છે. બીજા એક પોર્ટલ પરના સમાચાર મુજબ મુખ્યમંત્રીને પત્રકારોએ અલ્પેશ ભાજપમાં જોડાશે કે કેમ એવો પ્રશ્ન પૂછાયો ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે દ્યણા બધાં લોકો અમારા સંપર્કમાં છે, પણ ચૂંટણી પહેલા આવી કોઇ વાત નથી.

આ બન્ને પોર્ટલ પર ચમકેલા સમાચારની લિંકો હાલમાં અમદાવાદ પૂર્વમાં રહેતા આશરે ૨.૫ લાખ જેટલા અને સુરતમાં રહેતા આશરે ૫ લાખ જેટલા પરપ્રાંતીઓમાં વાયરલ થઇ છે.આ સમુદાયના લોકો આ લિંકને તેમના વતન જેવા કે ઉત્ત્।રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર વગેરેમાં રહેતાં તેમના સગાસંબધીઓને મોકલી રહ્યા છે.

સાથે સાથે તેઓ એવા મેસેજ પણ મોકલે છે કે અલ્પેશના કારણે અમારે દ્યણું સહન કરવું પડયું છે. હવે ભાજપ જેવો પક્ષ વર્ગ વિગ્રહ કરાવવામાં માહિર અલ્પેશ જેવા નેતાને પોતાની સાથે લેવાનો હોય તો  લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કર્યા વગર છુટકો નથી.

સંદેશે આવા મેસેજ અંગે પ્રતિક્રિયા જાણવા પરપ્રાંતિય સમુદાયના એક આગેવાનનો સંપર્ક કરતાં તેમણે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે અલ્પેશ ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે ભાજપ સત્તાવાર સ્પષ્ટતા નહીં કરે તો તેને સહન કરવાનો વારો આવી શકે છે.

બીજી તરફ, અલ્પેશે ઠાકોરસેનાના નામે કોંગ્રેસમાં મોટા હોદ્દા મેળવી સમાજનું કંઇ કલ્યાણ ન કર્યું અને અંતે કોંગ્રેસને પણ દગો દીધો તેનાથી ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ અને ખુદ અલ્પેશની ઠાકોરસેનાના કેટલાક સભ્યો પણ અંત્યંત નારાજ છે.

(3:57 pm IST)