ગુજરાત
News of Tuesday, 13th March 2018

વધુ પડતુ આડેધડ પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે

આયુર્વેદ નિષ્ણાત ડો.પરમેશ્વર અરોરાનો દાવો :પાણી વિશે પ્રવર્તતી ખોટી ધારણા તેમજ ભ્રમોને દૂર કરવા ડો. અરોરા ૪૨ શહેરમાં જાગૃતિ કોન્ફરન્સ કરી ચૂકયા છે

અમદાવાદ,તા. ૧૩ : વધુ પડતા પાણીના સેવનથી બ્લડપ્રેશર, કિડની, ડાયાબિટીસ, કબજીયાત, ગેસ, એસીડીટી સહિતના રોગોમાં ઘણો લાભ થતો હોવાની સમાજમાં પ્રવર્તતી ધારણાઓ અને માન્યતાઓ ખોટી અને ભ્રામક હોવાનો ચોંકાવનારો દાવો અને ઘટસ્ફોટ દેશના જાણીતા આયુર્વેદ નિષ્ણાત ડો.પરમેશ્વર અરોરાએ કર્યો છે. ડો.અરોરાએ આયુર્વેદના ચરકસંહિતા, સુશ્રૃતસંહિતા, અષ્ટાંગસંગ્રહ, માધવનિદાન, ભાવપ્રકાશ સહિતના ગ્રંથોના શ્લોક અને આધારને ટાંકી જણાવ્યું હતું કે, સમાજમાં છેલ્લા કેટલાય વર્ષોથી અને સોશ્યલ મીડિયામાં પાછલા કેટલાક વર્ષોથી આડેધડ ફેલાતી વાતો કે, વધુ પડતા પાણીના સેવનથી સ્વાસ્થ્ય અને આરોગ્ય સારૂ રહે છે અને ડાયાબિટીસ સહિતની બિમારીઓમાં બહુ ફાયદો થાય છે તે માત્ર પોકળ વાતો છે. વધુ પડતુ પાણી પીવું એ ફાયદાકારક નહી પરંતુ નુકસાનકર્તા છે. વાસ્તવમાં વધુ પડતુ અને આડેધડ પાણીનું સેવન એ સ્વાસ્થ્ય માટે જોખમી જ નહી પરંતુ ઝેર સમાન છે. ઉલ્ટાનું, પાણીના વધુ પડતા અને આડેધડ સેવનના કારણે બ્લડપ્રેશર, કિડની, ડાયાબિટીસ, કબજીયાત, ગેસ, એસીડીટી સહિતની તકલીફો ના હોય તો પણ થઇ શકે છે. સમાજમાં પાણી પીવાને લઇ કેટલીયે ગેરમાન્યતાઓ અને ભ્રામક વાતો પ્રવર્તી રહી છે અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે, તેથી આપણી પ્રાચીન આયુર્વેદ પધ્ધતિ મુજબ પાણી કયારે અને કેટલુ પીવું અને તે પીવાની સાચી આદર્શ રીતને લઇ નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના એમડી-આયુર્વેદ ગોલ્ડમેડાલીસ્ટ અને જાણીતા રિસર્ચર ડો.પરમેશ્વર અરોરાએ જળ સેવનની વૈદિક વિધિનું એક અનોખુ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. જેના અનુસંધાનમાં તેમણે અત્યારસુધીમાં દેશના ૪૨ શહેરોમાં ફરીને લોકોને વન ટુ વન અને કોન્ફરન્સ યોજીને પાણી પીવા વિશે જાગૃત અને તેની ઝીણામાં ઝીણી વાતોથી વાકેફ કર્યા છે. આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન જાણીતા આયુર્વેદ નિષ્ણાત ડો.પરમેશ્વર અરોરાએ જણાવ્યું હતું કે, વધુ પડતું અને આડેધડ પાણી પીવાથી શરીરમાં જઠરાગ્નિ મંદ પડે છે અને તેના કારણે તે પ્રભાવિત થાય છે, પરિણામે ઇન્સ્યુલીન બનતું નથી અને આખરે ડાયાબિટીસની તકલીફ ઉભી થાય છે. આ જ પ્રકારે વધુ પડતા પાણીના સેવનથી પેટના રોગો, બ્લડપ્રેશર, કિડની, કબજીયાત, ગેસ, એસીડીટી સહિતની તકલીફો થઇ શકે છે. ડો.અરોરાએ લોકો દ્વારા પાણીનું આડેધડ અને વધુ પડતું સેવન થઇ રહ્યું છે તે અંગે ભારે ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતુ કે, જો તમને તરસ લાગે તો  પણ એક ગ્લાસ ભરીને એકસાથે પાણી ના પીવું જોઇએ. કોઇપણ વ્યકિત માટે દિવસમાં પાણી ઉપરાંત, દૂધ, જયુશ, ચા-કોફી મળી દોઢથી બે લિટર પ્રવાહી શરીરમાં પર્યાપ્ત કહી શકાય.  સવારે એક ગ્લાસ હુંફાળુ પાણી પીવું જોઇએ અને જમતી વખતે માત્ર એક કપ હુંફાળુ પાણી પી શકાય. જમ્યા પછી બે કલાક બાદ વ્યકિત ૧૫૦થી ૨૦૦ મિલી પાણી પી શકે, તેનાથી વધુ નહી. ગરમીની સીઝનમાં પણ વ્યકિતએ સંયમ સાથે ધીરે ધીરે, પ્રત્યેક વખત અલ્પ માત્રામાં અને થોડા થોડા અંતરે જ સામાન્ય તાપમાનનું પાણી પીવું જોઇએ. હંમેશા ઉકાળેલુ જ પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે લાભકર્તા છે. તરસ લાગે ત્યારે એકસાથે અને વધુ પડતુ પાણીનું સેવન કરવાથી અપચો, અજીર્ણ, આળસ, પેટ ફુલવુ, બેચેની, ઉલ્ટી, શરીરમાં ભારેપણું, ખાંસી-શરદી તથા શ્વાસના રોગો ઉત્પન્ન કરી શકે છે. બહુ તરસ લાગે તો પણ ૧૫૦થી ૨૦૦ મિલી જેટલું હુંફાળુ પાણી પીવું જોઇએ. તાવના દર્દીએ તો બહુ જ સંયમ સાથે અલ્પ માત્રામાં ગરમ પાણી જ પીવું જોઇએ. સમાજમાં આજે ઘેર-ઘેર પીવાતા આર.ઓના ફિલ્ટર પાણીને લઇ ડો.પરમેશ્વર અરોરાએ તેને ઘાતક અને ગંભીર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આર.ઓનું પાણી કોઇ સંજોગોમાં ના પીવું જોઇએ કારણ કે, તે પાણીના ખનીજ તત્વોને ગળી કાઢે છે અને તે પાણી પીવાથી ફાયદો નહી ઉલ્ટાનું નુકસાન થાય છે કારણ કે, તેનાથી શરીરના આરોગ્યની ગુણવત્તા પર અસર પડે છે. ડો.અરોરાએ જણાવ્યું કે, જળ સેવન વૈદિક પધ્ધિત મુજબ જો લોકો અનુસરે તો ડિસેમ્બર-૨૦૧૮ સુધીમાં દેશમાં પ્રતિદિન ૫૫૦ કરોડ લિટર પાણીની બચત થઇ શકશે.

(10:56 pm IST)