ગુજરાત
News of Tuesday, 13th March 2018

ખેડૂતલક્ષી નિર્ણયથી ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાને

કૃષિ પરની ૩૪૭૭ કરોડની માંગ બહુમતિથી પસાર :છેલ્લા ૫ વર્ષમાં સરેરાશ એક લાખ કૃષિ વિજળી જોડાણો વર્ષે અપાયા છે : બાગાયતી પાકમાં પણ ગુજરાત અગ્રેસર

અમદાવાદ,તા. ૧૩ : કૃષિમંત્રી આરસી ફળદુએ આજે દાવો કર્યો હતો કે, ખેડૂતલક્ષી નિર્ણયોના લીધે ગુજરાત આજે પણ કૃષિ ક્ષેત્રે દેશભરમાં પ્રથમ સ્થાને છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કૃષિના મામલામાં પ્રાથમિકતા અપાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં વર્ષે સરેરાશ એક લાખ નવા કૃષિ વિજળી જોડાણો અપાયા છે. બે તબક્કામાં ૮૯ લાખ ખેડૂતોને સોઇલ હેલ્થકાર્ડ અપાયા છે. વિધાનસભામાં આજે કૃષિ ખેડૂત પરની ૩૪૭૭ કરોડની માંગ પસાર કરવામાં આવી હતી. પશુપાલન અને ડેરી વિકાસમંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસમાં પશુપાલન અને ડેરી વિકાસનું આગવું પ્રદાન રહ્યું છે ત્યારે આ વ્યવસાયમાં આજીવિકાની પુરતી તકો મળે તે માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂપિયા ૭૩૮ કરોડની જોગવાઈ કરાઈ છે. આજે વિધાનસભા ખાતે પશુપાલન અને ડેરી વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતા મંત્રી આરસી ફળદુએ ઉમેર્યું હતું કે, ૧૮મી પશુધન વસતી ગણતરીની સાપેક્ષે ૧૯મી પશુધન વસતી ગણતરીમાં સમગ્ર દેશમાં પશુધન વસતીમાં જ્યારે ૩.૩૩ ટકાનો ઘટાડો નોંધાયો છે ત્યારે ગુજરાત પશુધન વસતીમાં ૧૫.૩૬ ટકાના વધારા સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે જે માત્રને માત્ર રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને યોજનાકીય સહાયોને આભારી છે. રાજ્ય સરકારની નીતિને લીધે ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે ૧૨૭.૮૪ લાખ મેટ્રિક ટન ઉત્પાન સાથે દેશમાં ચોતા ક્રમે છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં પશુ સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોઇપણ પશુપાલકનું પશુ સારવાર વિહોણું ન રહે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના અમલી બનાવી છે જે માટે આ વર્ષે રૂપિયા ૨૫૩૩ લાખની જોગવાઈ કરી છે. પશુચિકિત્સા ડેરી વિજ્ઞાન અને મત્સ્યોદ્યોગ વિજ્ઞાન ક્ષેત્રમાં તાંત્રિક માનવબળ ઉભુ કરવા માટે જરૂરી શિક્ષણ, સંશોધન માટે કામધેનું યુનિવર્સિટીના વિકાસ માટે રૂપિયા ૨૯૬૭.૪૯ લાખની જોગવાઈ કરી છે.

(10:54 pm IST)