ગુજરાત
News of Tuesday, 13th March 2018

ઠાસરાના ઢુણાદરા ગામે નવી નગરી પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલીના વિરોધમાં વાલીઓ દ્વારા તાળાબંધી

શિક્ષકને પુનઃ આ જ શાળામાં નિયુક્તિ નહીં મળે ત્યાં સુધી શિક્ષણના બહિષ્કારની ચીમકી

ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે નવી નગરી પ્રાથમિક શાળામાં એક શિક્ષકની કરાયેલી બદલીના વિરોધમાં વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી શિક્ષકને ફરી નિયુક્ત કરવા માંગણી કરી હતી અને શિક્ષકને પુનઃ આ જ શાળામાં નિયુક્તિ નહીં મળે ત્યાં સુધી શિક્ષણના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવતાં આ શિક્ષકની બદલીનો હુકમ થતાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓમાં નારાજગી ફેલાઈ છે

   આ અંગેની વિગત મુજબ ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે નવી નગરી પ્રાથમિક શાળામાં છેલ્લા પંદર વર્ષથી સલીમમીયાં રસુલમીયાં મલેક શિક્ષક તરીકે ફરજ બજાવે છે,અને એક સંનિષ્ઠ શિક્ષક તરીકે ગ્રામજનોમાં ચાહના મેળવેલી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ આ શિક્ષક પ્રિય હોઈ ગ્રામજનોનો આગ્રહ શિક્ષક શાળા માટે શાળામાં ભણતા બાળકો માટે યોગ્ય છે ત્યારે તેમની વિના કારણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરેલી બદલી યોગ્ય નથી.તે શિક્ષકને પુનઃ યથાવત નવી નગરી પ્રાથમિક શાળામાં જ નિયુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે આજે શાળામાં ભણતા બાળકો સહિતના વાલીઓ, ગ્રામજનોએ એકઠાં મળી શાળાને તાળાબંધી કરી દીધી હતી.

   ગ્રામજનોનું કહેવું છે કે આ શિક્ષક દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા કોઈપણ પ્રકારની અનિયમિતતા કે બેદરકારી દાખવવામાં આવી નથી. છતાં પણ તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓના મનસ્વી નિર્ણયને કારણે આ શિક્ષકની બદલી કરી દેવાઈ છે. હવે જ્યારે પરીક્ષાઓ નજીકમાં છે તે જ સમયે આ શિક્ષકની બદલી કરી તંત્ર અયોગ્ય નિર્ણય લઈ રહ્યું છે તેવી લાગણી ગ્રામજનોમાં પ્રવર્તી રહી છે. જેથી શિક્ષકને તાકીદે શાળામાં પુનઃ નિયુક્ત કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

(10:42 pm IST)