ગુજરાત
News of Tuesday, 13th March 2018

વડોદરામાં રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક ન થતા ઝોનલ ઓફિસમાં હોબાળોઃ તાળાબંધીનો પ્રયાસ

વડોદરાઃ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલ રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી આધાર લિંક નહિ થાય ત્યાં સુધી અનાજ આપવામાં નહિ આવે તેવી જાહેરાત પણ કરાયેલા છે. ત્યારે આજે જે લોકો આધાર લિંક કરાવવા આવ્યા તે લોકોને સર્વર ડાઉનની તકલીફનો સામનો કરવો પડ્યો હતો. પોતાનું કામ ન થતા હાલાકીનો સામનો કરવો પડ્યો અને આ સમસ્યા માત્ર આજે એક દિવસ નહીં પરંતુ ઘણા દિવસથી લોકો પરેશાન હતા. આજે લોકોનો ગુસ્સો વધી જતા તેમણે ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા લોકોને સાથ આપવા સામાજિક કાર્યકર ચંદ્રિકા સોલંકી પણ તેમની સાથે જોડાયા હતા. અધિકારીઓ સાથે રજુઆત કર્યા બાદ સંતોષકારક જવાબ ન મળતા ઓફિસને તાળાબંધી કરવાનો પ્રયાસ કરાયો હતો.

લોકોનો ગુસ્સો ઝોનલ કચેરીના અધિકારી પર ઉતરતા સ્થળ પર હાજર અધિકારીએ જણાવ્યું હતું કે, આ માત્ર સમસ્યા સર્વર ડાઉનના લીધે થઇ રહ્યું છે અને જલ્દી આ તમામ લોકોની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે.

(7:57 pm IST)