ગુજરાત
News of Tuesday, 13th March 2018

ગુજરાતમાં ટાટા નેનો પ્રોજેક્ટના આગમન બાદ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ઓટોમોબાઇલ કંપનીઓ દ્વારા રાજ્યમાં તેમના પ્રોજેક્ટ માટે મોટું રોકાણ

ગાંધીનગર: રાજ્ય વિધાનસભામાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદાજપત્રિય ચર્ચાનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટાટા નેનો પ્રોજેક્ટનાં આગમન બાદ અન્ય ઘણી અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કંપનીઓએ ગુજરાતમાં તેમના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનું શરૂ કર્યુ છે. દેશમાં પાંચ જેટલાં મોટા ઉત્પાદકો દ્વારા ગુજરાતમાં રૂા.૧૨,૫૦૦/- કરોડથી વધુ મૂડીનું રોકાણ જવા જઇ રહ્યું છે.

સૌરભ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મે-ફોર્ડ ઇન્ડિયા પ્રા.લિ. દ્વારા સાણંદમાં સંભવિત કુલ મૂડીરોકાણ રૂા.૫૦૦૦/ કરોડનું થશે જેનાથી રાજ્યમાં ૩૦૦૦ ની રોજગારી ઉભી થવાની સંભાવના છે. આ જ રીતે રાજ્યમાં માંડલ ખાતે મે.મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિ. દ્વારા અંદાજે રૂા.૪૦૦૦/ કરોડનું મૂડીરોકાણ થશે જેનાથી ર૦૦૦ની રોજગારી ઉભી થવાની સંભાવના છે.

આ ઉપરાંત હાલોલ ખાતે મે. હિરો મોટોકોર્પ લિ. દ્વારા રૂા.૧૧૦૦/ કરોડના મૂડીરોકાણ દ્વારા ર૦૦૦ની રોજગારી ઉભી થવાની સંભાવના છે. આ જ રીતે, માંડલ ખાતે મે. હોન્ડા મોટર સાયકલ્સ દ્વારા રૂા.૧૩૫૦/ કરોડના સંભવિત રોકાણથી ૩૦૦૦ની રોજગારી અને હોન્ડા કાર્સ દ્વારા રૂા.૧૦૭૦/ કરોડના સંભવિત મૂડી રોકાણ દ્વારા ૨૦૦૦ની રોજગારી ઉભી થવાની સંભાવના છે.

સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ઓટો હબ તરીકે વિકસી રહેલાં ગુજરાતમાં અન્ય આનુષંગિક ઉદ્યોગો પણ વિકસી રહ્યા છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, સાણંદ ખાતે મે.મેક્સીસ રબ્બર ઇન્ડિયા પ્રા.લિ. દ્વારા રૂા.૧૮૭૯/ કરોડના સંભવિત મૂડીરોકાણથી ૪૩૫૬ની રોજગારી ઉભી થવાની સંભાવના છે. સૌરભ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિ અને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા પારદર્શી પદ્ધતિને કારણે ગુજરાત આજે રોકાણકારો માટેનું દેશભરનું નંબર વન પસંદગીનું સ્થળ બની રહ્યું છે.

(7:57 pm IST)