ગુજરાત
News of Tuesday, 13th March 2018

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: સે-13માં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 1.43 લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહયો છે. ત્યારે શહેરના સે-૧૩માં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૪૩ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. આ સંદર્ભે સે-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં પોલીસે તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધ્યુ છે અને આ ચોરી કરતાં તસ્કરો હજુ પકડાયા નથી તેમ છતાં અન્ય મકાનો પણ તસ્કરોના ટાર્ગેટ ઉપર આવી ગયા છે. શહેરના સે-૧૩/બીમાં પ્લોટ નં.૮૮૦/રમાં રહેતાં અને જીએસપીસીમાં નોકરી કરતાં નીરવભાઈ કીરીટકુમાર પંડયા ગત તા.૯મીએ સાંજે તેમનું મકાન બંધ કરીને અમદાવાદ લગ્ન પ્રસંગે ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તીજોરીમાંથી ૭૦ હજાર રોકડા તેમજ સોનાચાંદીના દાગીના મળી ૧.૪૩ લાખની મત્તા ચોરી લીધી હતી.

દરમ્યાનમાં આજે સવારના સમયે નિરવભાઈના મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો જોઈ પાડોશીએ તેમને જાણ કરતાં તાબડતોડ તેઓ ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતાં મકાનમાં ચોરી થયાનો અંદાજ આવ્યો હતો. જેથી આ સંદર્ભે સે-૭ પોલીસને બનાવથી જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી હતી. એટલું જ નહીં આ મકાનની બાજુમાં આવેલા અન્ય એક મકાનમાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગાંધીનગરમાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાને પગલે વસાહતીઓમાં પણ ભય ફેલાયો છે.

(6:28 pm IST)