ગુજરાત
News of Tuesday, 13th March 2018

વારોડીના તલાટમાં ચપ્પુની અણીએ દાગીનાની લૂંટ ચલાવનાર ચાર લૂંટારુઓ વિરુદ્ધ ગુનો દાખલ

કપરાડા:ના અંતરિયાળ વિસ્તારમાં હવે લૂંટના બનાવો સામાન્ય બની ગયા છે. છેલ્લા માસમાં મુસ્લિમ પરિવારને ત્યાં લૂંટના બનાવ બાદ હવે આદિવાસી પરિવારના ઘરમાં લૂંટનો બનાવ બન્યો છે. વરોલી તલાટ ગામે જીન્સ-ટીશર્ટ પહેરીને આવેલા ચાર લૂંટારૃઓ છરાની અણીએ સોના-ચાંદીના ઘરેણા અને મોબાઇલ મળી રૃ.૫૯ હજારની મત્તા લૂંટી ગયા હતા.

કપરાડાના વારોલી તલાટ ગામે રહેતા કેયુર બાબુભાઇ રાઉત અને તેમનો પરિવાર રવિવારની રાત્રે સુતો હતો. ત્યારે ચાર અજાણ્યા શખ્સો તેમના ઘરમાં મુખ્ય દરવાજેથી પ્રવેશ્યા હતા. અને ઘરના કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી, વીટી, ચાંદીના સાંકળા, વીટી અને ચાર મોબાઇલ મળી કુલ રૃ.૫૯ હજારની મત્તા ચોરી રહ્યા હતા. ત્યારે કેયુરના દાદી જાગી ગયા હતા.

દાદી માંદા હોવાથી તેમણે દવા માટે બૂમ પાડી હતી. જે સાંભળીને કેયુર અને તેના માતા-પિતા પણ ઉઠી ગયા હતા અને તેમણે તસ્કરોને જોયા હતા. ઘરના સભ્યોને જોઇ તસ્કરોએ છરો બતાવી ડરાવી ચોરીનો માલ લઇને ભાગી ગયા હતા.

ઘટના બાદ લૂંટનો ભોગ બનનારે પોલીસને બોલાવવા માટે ૧૦૦ના બદલે ૧૦૦૦ નંબર ડાયલ કર્યો હતો. જેને લઇ તેમનો ફોન લાગ્યો હતો. ત્યારબાદ બપોરે તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને મોડી સાંજે તેની ફરિયાદ લઇ પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યો હતો.

(6:16 pm IST)