ગુજરાત
News of Tuesday, 13th March 2018

સાણંદ નજીક નિધરાડમાં જુગારધામ પર રેડ કરવા ગયેલ એલસીબીની ટિમ પર હુમલો થતા 8ને ઇજા

અમદાવાદ: સાણંદ નજીક અાવેલા નિધરાડ ગામમાં ગઈ કાલે સાંજે જુગારધામ પર રેડ કરવા ગયેલી અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમ પર હુમલો કરવામાં અાવ્યો હતો. અા હુમલામાં એક પોલીસ કર્મચારીને ઇજા થઈ હતી. ટોળાઅે પોલીસ પર હુમલો કરતાં કેટલાક અારોપીઅો નાસી જવામાં સફળ રહ્યા હતા જ્યારે ત્રણ અારોપીઅો પોલીસ પકડમાંથી નાસી ગયા હતા. અા અંગે અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીઅે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નિધરાડ ગામમાં ઠાકોરવાસમાં જાહેરમાં કેટલાક લોકો જન્ના-મન્નાનો તેમજ તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે, જેના અાધારે અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમ જુગારધામ પર દરોડો પાડવા ગઈ હતી. પોલીસ નિધરાડ ગામમાં પહોંચી ત્યારે જુગારીઅોમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે પાંચ જેટલા જુગારીની ધરપકડ કરી લીધી હતી, જ્યારે બાકીના ૧૦ જેટલા જુગારીઅો નાસી ગયા હતા.

પોલીસ જ્યારે અારોપીઅોને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જતી હતી ત્યારે નિધરાડ ગામમાં રહેતા ગાભાજી ઠાકોર, મૂકેશ ઠાકોર, નીલેશ ઠાકોર સહિત ૨૦થી ૨૫ માણસના ટોળાઅે અચાનક પોલીસ પર હુમલો કરી દીધો હતો.

(6:15 pm IST)