ગુજરાત
News of Tuesday, 13th March 2018

અમદાવાદની હોસ્પિટલમાંથી ૨૦ દિવસના બાળકના પેટમાંથી ૭પ૦ ગ્રામનું ભ્રૂણ મળતા મેડિકલ ક્ષેત્રે અત્યંત દુર્લભ ઘટના સર્જાઇ

અમદાવાદ: અમદાવાદની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અેક સર્જરી થઈ હતી, જેમાં 20 દિવસના બાળકના પેટમાંથી 750 ગ્રામનું ભ્રૂણ બહાર કાઢવામાં આવ્યું હતું. આ બાળકને હાલ ડિસ્ચાર્જ આપી દેવાયો છે, અને તેની સ્થિતિ સુધારા પર છે.

10 દિવસ પહેલા આ બાળકને હોસ્પિટલ લવાયું ત્યારે તેનું પેટ ફુલેલું હતું. ડોક્ટરોએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાળકના પેટની અંદર એક અવિકસિત ભ્રૂણ હતું. મેડિકલની ભાષામાં આ સ્થિતિને રેટ્રોપેરિટોનીઅલ મેચ્યોર ટેરાટોમા કહેવામાં આવે છે, જેમાં ગર્ભમાં જુડવા બાળકો અલગ-અલગ નથી વિકસતા, પરંતુ એક જ બાળકના પેટમાં બીજું ભ્રુણ વિકસે છે.

આવી ઘટના જવ્વલે જ જોવા મળતી હોય છે. મેડિકલ રેકોર્ડ્સ પ્રમાણે પાંચ લાખ કેસમાં આવો માંડ એકાદ કિસ્સો બને છે અને અત્યાર સુધી મેડિકલ હિસ્ટ્રીમાં આવા માત્ર 200 કેસ જ નોંધાયેલા છે.

આ બાળક પર સર્જરી કરનારા શહેરના કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોઈન્ટેન્શયિયલ હેપોટોબિલરી એન્ડ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભાવિન વસાવડાએ જણાવ્યું હતું કે, આ સ્થિતિ ઘણી રેર હોવાથી ડોક્ટર્સની ટીમે બાળક પર સર્જરી કરવાનું નક્કી કર્યું હતું.

ડોક્ટર્સની ટીમે સર્જરી કરીને બાળકના પેટમાંથી જે ભ્રૂણ કાઢ્યું હતું તેમાં અવિકસિત હાથ તેમજ કમરનો કેટલોક ભાગ હતો. બાળકને એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ તેને 4થી માર્ચે રજા આપવામાં આવી હતી.

(9:44 am IST)