ગુજરાત
News of Tuesday, 13th March 2018

સુરતના રૂ.૧૨ કરોડના બિટકોઇન પડાવી લેવાના કેસમાં હાઇકોર્ટ દ્વારા શૈલેષ ભટ્ટને રાહત

અમદાવાદ: અમરેલી પોલીસ દ્વારા રૂપિયા 12 કરોડના બિટકોઈન પડાવી લેવામાં આવ્યા હોવાની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ સામે સુરતની બિલ્ડર શૈલેષ ભટ્ટે ફરિયાદ નોંધાવી હતી, જો કે ફરિયાદ થઈ તેના થોડાક સમયમાં શૈલેષ ભટ્ટ સામે કરજણ પોલીસમાં એક જમીનનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેને શૈલેષ ભટ્ટે ગુજરાત હાઈકોર્ટમાં પડકારતા જસ્ટીશ જે દેસાઈએ કેસની તપાસ કરી રહેલા વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસને રોકવા આદેશ આપ્યો છે.

બિટકોઈનના વ્યાપારને લઈ સેન્ટ્રલ એજન્સીઓ અને પોલીસ દ્વારા તોડ કરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી, પણ મામલે કોઈ ફરિયાદ કરવા તૈયાર થતાં ન્હોતા, પણ સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટના 12 કરોડના બિટકોઈન અમરેલી પોલીસ દ્વારા લઈ લેવામાં આવ્યા અને રૂપિયા 32 કરોડની માગણી કેસની પતાવટ માટે માંગવામાં આવી હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમ સામે થઈ હતી, જેના પ્રત્યાધાત રૂપે શૈલેષ ભટ્ટ ઉપર દબાણ વધારવા માટે ત્રણ વર્ષ જુના કેસની ફરી સજીવન કરી કરણજ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.

શૈલેષ ભટ્ટે પોતાના કાઉન્સીલ રાજેશ રૂપારેલીયા મારફતે હાઈકોર્ટમાં પીટીશન કરી દાદ માગી હતી કે કેસ પહેલા તો ત્રણ વર્ષ જુનો છે, તેમજ જમીન વિવાદ અંગે દિવાની દાવો ચાલુ છે, જેમાં દિવાની કોર્ટ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી, સાથે જમીનના સોદામાં તેમની પોતાની ભૂમિકા જમીન દલાલની છે. પરંતુ તેમણે પોલીસ સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરી હોવાને કારણે તેમની સામે ફરિયાદ થઈ છે, તેથી ફરિયાદ રદ કરવામાં આવે, જસ્ટીશ જે દેસાઈએ વચગાળાના હુકમ તરીકે વડોદરા પોલીસને તેમની પાસે રહેલી તપાસને રોકવા આદેશ આપતાની સાથે હાલના તબ્બકે કોઈ પણ પ્રકારની ધરપકડ કરી કરવા આદેશ આપ્યો છે.

(6:21 pm IST)