ગુજરાત
News of Tuesday, 13th March 2018

વડોદરા મહાનગર પાલિકાની બેદરકારીઃ બાકી વેરો વસુલવા માટે ગેરેજની દુકાનના બદલે ફર્નીચરની દુકાનને સીલ મારી દીધુ

વડોદરાઃ વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજે બાકી વેરાની વસુલાત માટે સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી હતી.

 

શહેરના પ્રતાપનાગર રોડ પર આવેલા જગન્નાથ કોમ્પ્લેક્ષમાં આવેલી જીએફ 33 નંબરની દુકાનના મલિક વિકાસ પટણીનો 24394નો મિલકત વેરો બાકી હતો. જે વેરો નહીં ચૂકવવાના કારણે આજે વહીવટી વોર્ડ 3ના અધિકારીઓ સીલ કરવા પહોંચ્યા હતા. જોકે પાલિકાના અધિકારીઓ જીએફ 33 નંબરની દુકાન સીલ કરવાને બદલે નજીકમાં આવેલી જીએ 33 નંબરની ફર્નિચરની દુકાન સીલ કરી દીધી હતી. વહેલી સવારે દુકાન સીલ કર્યા બાદ અધિકારીઓ ત્યાંથી નીકળી ગયા હતા.

 

રવિવારની રજા આજે સવારે દુકાન ખોલવા આવેલા ફર્નિચરના દુકાનદાર ઇલેશ મિસ્ત્રીએ પોતાની દુકાન સીલ કરેલી જોઈને ગભરાઈ ગયા હતા. પોતાનો વેરો ભરેલો હોવા છતાંય દુકાન સીલ જોતા તેઓએ પાલિકાના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. જ્યારે પાલિકાના અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને સીલ ખોલી નાખવા ટેલિફોનિક જાણ કરી હતી. પરંતુ ગભરાયેલા દુકાનદારે વોર્ડ ઓફિસમા અરજી કરી દુકાનના સીલ ખોલવા માટે માંગણી કરી હતી. પાલિકાના અધિકારીઓ જ્યારે દુકાન સીલ કરવા આવ્યા ત્યારે દુકાન પાસે -33 નંબર લખ્યો છે. તેમ છતાંય આટલી મોટી નિષ્કાળજી કેવી રીતે બની તે પ્રશ્ન થાય છે.

(1:10 pm IST)