ગુજરાત
News of Tuesday, 13th February 2018

પાલનપુરના ચિત્રાસણી-હેબતપુર હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત: ધારેવાડા હાઈવે પર કાર ખાબકતા એકનું મોત

બે બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બાઈક સવાર મંગુબેનનું મોત :અન્ય બે વ્યક્તિને ઇજા

પાલનપુર પંથકમાં અકસ્માતનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યુ છે પાલનપુર આર.ટી.ઓ સર્કલ નજીક ગત રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ ના મોત બાદ વધુ બે અકસ્માત સર્જાવા પામ્યા છે. જેમાં હેબતપુર-ચિત્રાસણી રોડ પર ત્રિપલ અકસ્માતમાં બાઈક સવાર આધેડ મહિલાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા થઈ હતી તે ઉપરાંત છાપી નજીક ધારેવાડા હાઈવે પર ચોકડીઓમાં કાર ખાબકતા એકનું મોત થયુ હતુ જ્યારે મહિલાને ઈજાઓ થઈ હતી.

 પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક હેબતપુર-ચિત્રાસણી હાઈવે રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બાઈક અને એક ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર મંગુબેન ઈશ્વરજી ઠાકોર નામના હસનપુર ગામના ૪પ વર્ષીય આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ કરાતા પાલનપુર તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

  બીજા એક બનાવમાં છાપી પોલીસ મથક વિસ્તારમાં ધારેવાડા હાઈવે રોડ પરથી પસાર થઈ રહેલ એક ઈન્ડીકા ગાડીને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા ગાડી ચોકડીઓમાં ખાબકતા ૪૮ વર્ષીય જયસિંહનું મોત નિપજ્યું હતુ. જ્યારે નારંગીબેન નામના મહિલાને ઈજાઓ થઈ હતી.જે બનાવ અંગે ટ્રક ચાલક સામે રાજુસિંહ રાજપુરોહિત (રહે.જેતલ વાસણા, તા.વિસનગર) વાળાએ છાપી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:27 pm IST)