ગુજરાત
News of Tuesday, 13th February 2018

બેંક કેશિયરના આવાસે ૩૪ તોલા સોનાની કરાયેલી ચોરી

શહેરના નારણપુરા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા : કેશિયર અને તેમનો પરિવાર શ્રીનાથજી દર્શન કરવા ગયો ત્યારે તસ્કરોએ સ્થિતિનો લાભ ઉઠાવ્યો : પોલીસ તપાસ

અમદાવાદ,તા. ૧૩ : શહેરના નારણપુરા વિસ્તારમાં નિર્મલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની વસ્ત્રાપુર શાખામાં ફરજ બજાવતાં કેશિયરના ઘરમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી રૂ.૩૪ તોલાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. ચોરીના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે, કેશિયર અને તેમનો પરિવાર ભગવાન શ્રીનાથજીના દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન તસ્કરોએ તેમના ઘરમાં હાથ સાફ કર્યો હતો. આ બનાવ અંગે બેંકના કેશિયર દ્વારા નારણપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારણપુરા વિસ્તારમાં જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા નિર્મલ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં દિલીપભાઇ  બ્રહ્મભટ્ટ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં કેશીયર તરીકે ફરજ બજાવે છે. તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ તેઓ સવારે પરિવાર સાથે શ્રીનાથજી દર્શન કરવા માટે નીકળ્યા હતા. બીજા દિવસે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ તેમની નીચેના મકાનમાં રહેતા વસંતભાઇએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા મકાનનું તાળુ તૂટેલું છે, આ સાંભળી દિલીપભાઇ તેમના પરિવાર સાથે તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતા અને ઘરમાં આવીને જોયું તો, તેમની પત્ની, પુત્રી અને પુત્રના સોના-ચાંદીના દાગીના મળી કુલ ૩૪ તોલાના દાગીનાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. અજાણ્યા તસ્કરો ઘરમાંથી રૂ.૫૧ હજારની રોકડરકમ પણ ચોરી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે દિલીપભાઇએ નારણપુરા પોલીસમથકમાં જાણ કરતાં પોલીસનો કાફલો તુર્ત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. દિલીપભાઇએ સમગ્ર બનાવ અંગે નારણપુરા પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તેમના ઘરમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

(8:21 pm IST)