ગુજરાત
News of Tuesday, 13th February 2018

ખેડા એલસીબીએ ચકલાસી-ભાલેજ નજીક એક બાઈક ચોરને ઝડપી બે ચોરીનો ભેદ ઉકેલ્યો

ખેડા:એલસીબી ખેડા પોલીસે ચકલાસી-ભાલેજ રોડ પરથી એક બાઈક ચોરને ઝડપી પાડીને બે બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
એલસીબી ખેડા પોલીસને ચકલાસી ઓવરબ્રીજ ઉપર ભાલેજ ગામ તરફથી એક ઈસમ ચોરીના બાઈક સાથે આવતો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈને આવતા ઈસમને ઊભો રાખી તેની પાસે વાહનના કાગળો માંગતા મળી આવ્યા હતા તેમજ કોઈ જવાબ ન આપતાં તેની અટક કરી પૂછપરછ કરતા યુવરાજસિંહ ઉર્ફે ઉલીયો વિક્રમસિંહ મહિડા (રહે. નટવરનગર, નવી કોલોની, તા. સાવલી, જિ. વડોદરા) હોવાનું જણાવ્યું હતું. આ ઈસમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આજથી ત્રણેક મહિના પહેલાં ગોઠડા મેળામાંથી બાઈક ચાવી સાથે ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે તેમજ આ આરોપીએ આશરે વીસેક દિવસ પહેલાં પોતે મંજુસર ખાતેથી પણ એક મોટરસાયકલ ચોરી કર્યાનું જણાવ્યું હતું. જેથી એલસીબી પોલીસે અન્ય એક મોટરસાયકલ કબજે કર્યું હતું. આમ એલસીબી ખેડા પોલીસે વાહનચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

(6:37 pm IST)