ગુજરાત
News of Tuesday, 13th February 2018

નડિયાદમાં રખડતા ઢોરને પકડવા ગયેલ મનપાની ટીમ પર પશુ માલિકોએ જીવલેણ હુમલો કરતા એકને ઇજા

નડિયાદ: શહેરમાં રખડતી ગાયોને પાંજરે પુરવાની કામગીરી દરમ્યાન નગર પાલિકાના કર્મીઓ પર હુમલાની ઘટના બની છે. આજે સવારના સમયે રખડતા પશુઓ પકડીને કર્મચારીઓ તેને અમદાવાદી દરવાજા પાસે આવેલ ડબ્બામાં લાવ્યા હતા. જ્યા કેટલાક પશુ પાલકોએ આવી પહોચી નગર પાલિકાના કર્મચારીઓ પર હુમલો કરી દેતા ૧ કર્મચારીને માથાના ભાગે ઇજા થઇ હતી. સમગ્ર બાબતે ફાયર બ્રિગેડના ઢોર વિભાગમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી છે.

નડિયાદ નગર પાલિકાના ફાયર બ્રિગેડમાં ઢોર વિભાગમાં અમીતભાઇ પટેલ કામ કરે છે. આજે સવારના સમયે તેમને અને તેમના સહ કર્મીઓને સરદાર નગરમાં રખડતા ઢોર પકડવા માટે વર્ધી મળી હતી. જે વર્ધી મળતા તેઓ ઢોર પકડવા ગયા હતા. સવારે ઢોર પકડવાની કામગીરી પુરી થયા બાદ સવા દશ વાગ્યાના આસપાસ તેઓ અમદાવાદી દરવાજા વિસ્તારમાં આવેલ ઢોરોને પુરવાના ડબ્બા બાસે ઉભા હતા તે સમયે મીલરોડ વિસ્તારમાં રહેતા કેટલાક રબારીઓ ત્યા આવી પહોચ્યા હતા. અને તમે લોકો અમારા પશુઓને વારે વારે પુરી દો છો? તેમ કહી અમીત પટેલ અને તેમના સહ કર્મીઓ ઉપર લાકડીઓથી હુમલો કરી દીધો હતો. અચાકન થયેલા હુમલાથી અમીત પટેલને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી, અને લોહી નીકળ્યું હતુ. તેમજ તેમની સાથેના અન્ય કર્મચારીઓને પણ પશુ પાલકોએ લોકડીઓ અને ગડદાપાટુનો માર મારતા તેઓ ને પણ ઇજાઓે થઇ હતી.

સમગ્ર ઘટના અંગે પશુપાલકોએ ફાયર બ્રિગેડમાં ઢોર વિભાગના ઇન્ચાર્જ રાકેશ શર્માને વાત કરતા તેઓ પોતાના કર્મચારીઓ સાથે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને પહોચી ગયા હતા. જ્યા તેઓએ નગર પાલિકાના ફાયર બ્રિગેડમાં ઢોર વિભાગમાં કામ કરતા કર્મચારીઓ પર હુમલો કરવા બાબતે જયમીનભાઇ રબારી, પીન્ટુભાઇ રબારી અને, યશ રબારી નામના ઇસમો વિરુધ્ધ ગુનો નોધાવતા પોલીસે ત્રણે ને ઝડપી પાડવા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:37 pm IST)