અમદાવાદની સાયક્લોથોનમાં વડોદરાની મહિલાઓ ટોપ-૩માં: અંડર ૪૦ અને અેબોવ ૪૦માં મેદાન માર્યું
વડોદરા, તા. 13 ફેબ્રુઆરી 2018 મંગળવાર અમદાવાદમાં યોજાયેલી 50 કિલોમીટરની સાયક્લોથોનમાં વડોદરાની મહિલાઓઅે બાજી મારી હતી. ૫૦ કિલોમીટરની આ રેસમાં અન્ડર ૪૦ અને એબોવ ૪૦ એમ બે કેટેગરીમાં સેંકડો સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પૈકી એબોવ ૪૦ એટલે કે ૪૦ વર્ષથી વધુ વયજૂથની મહિલા સ્પર્ધકોમાં વડોદરાના સાયકલિસ્ટ મોનિકા જોષીએ પહેલો ક્રમ મેળવ્યો હતો. જ્યારે આ જ કેટેગરીમાં જાગૃતિ રાઠોડ ત્રીજા ક્રમે રહ્યા હતા.
આ સીવાય ૪૦ વર્ષથી નીચેના વયજૂથના સ્પર્ધકોની કેટેગરીમાં જરૂલ વોરા ત્રીજા ક્રમે રહ્યા હતા. જ્યારે મૂળ વડોદરાના અને અમદાવાદમાં સ્થાયી થયેલા અર્પિતા પંડયાએ બીજો ક્રમ મેળવ્યો હતો.
આ અગાઉ શનિવારે વ્યક્તિગત ટાઈમ ટ્રાયલ નામની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સ્પર્ધકે ઓછામાં ઓછા સમયમાં ૧૦ કિલોમીટર સાયકલ ચલાવવાની હતી. જેમાં પણ મોનિકાબેને ૨૦.૦૭ મિનિટમાં ૧૦ કિલોમીટર સાયકલ ચલાવીને બીજો ક્રમ મેળવ્યો હતો. આ મહિલાઓ વડોદરાની સાયકલ ક્લબ સાથે સંકળાયેલી છે. તેમણે શોખથી અને ફિટનેસને ધ્યાનમાં રાખીને સાયકલિંગની શરૂઆત કરી હતી. આજે તેઓ અલગ અલગ સાયકલિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે.