ગુજરાત
News of Tuesday, 13th February 2018

ભરતસિંહને વિદાય? રાજ્યસભામાં મોકલાય તેવી શકયતાઃ લોકસભાની ચૂંટણી નવા પ્રદેશ પ્રમુખના નેજા હેઠળ લડાશે

ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનના ઢોલ વાગ્યા : નવા પ્રદેશ પ્રમુખ OBCમાંથી બનાવાશે એ નક્કીઃ કુંવરજી બાવળીયાનો ઘોડો આગળ?

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાત કોંગ્રેસમાં ફરી એક વાર નેતૃત્વ પરિવર્તનના આસાર મળ્યા છે. હોળી પછી ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર આવશે અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને સ્થાને નવા પ્રમુખ તથા નવી ટીમ આવશે તેવું કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું છે. આ ફેરફારના કારણે લોકસભાની ચૂંટણી કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં લડશે.

રાહુલ ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ બન્યા એ પછી તેમણે હજુ પોતાની નવી ટીમની રચના નથી કરી. માર્ચ મહિનામાં દિલ્હીમાં કોંગ્રેસ કારોબારીની બેઠક મળશે અને એ વખતે રાહુલ ગાંધીની નવી ટીમની જાહેરાત કરાશે. સાથે સાથે મહત્વનાં રાજયોના પ્રદેશ પ્રમુખો પણ બદલાશે ને તેમાં ભરતસિંહ સોલંકીનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાંથી રાજયસભાની ખાલી પડનારી ચાર બેઠકો માટે માર્ચના અંતમાં યોજાવાની છે. આ વખતે કોંગ્રેસ બે બેઠકો જીતી શકે તેમ છે. કોંગ્રેસમાંથી બે બેઠકો માટે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને એઆઇસીસીના મહામંત્રી દીપક બાબરીયાના નામો ચર્ચામાં છે. ભરતસિંહને રાજયસભામાં મોકલીને નવા પ્રદેશ પ્રમુખ લવાશે.

ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસની બેઠકો વધતાં રાજયસભામાં પણ કોંગ્રેસને એક બેઠક વદારે મળે તેવી શકયતા છે. કોંગ્રેસની બે બેઠક જીતવાની શકયતા ઉજળી બની છે.

 ગત વિધાનસભામાં કોંગ્રેસની ૫૭ બેઠકો હતી જયારે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક વધીને થઈ છે.

ભરતસિંહના સ્થાને કોને પ્રદેશ પ્રમુખ બનાવવા તે અંગે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ ઓબીસીમાંથી જ કોઈને પ્રદેશ પ્રમુખ બનાવશે તેવી શકયતા છે. પટેલ ધારાસભ્ય પરેશ ધાનાણી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા બનતાં સંતુલન જાળવવા ઓબીસી સમાજની વ્યકિતને પ્રદેશ પ્રમુખ બનાવાશે એ નક્કી છે.

હાલમાં પ્રદેશ પ્રમુખપદે કુંવરજી બાવળિયાની વરણીની શકયતા છે. કોંગ્રેસ કોઈ યુવા ઓબીસી નેતાની વરણી કરવા માગે છે પણ સામે જ્ઞાતિવાદી સમીકરણોને પણ ધ્યાનમાં રાખવા પડે તેમ છે તેથી બાવળિયા પ્રબળ દાવેદાર છે. બાવળિયા કોળી સમાજના છે તેથી તેમની શકયતા વધારે છે.

હાલમા કોળી સમાજ ભાજપથી નારાજ છે. પરષોતમ સોલંકીના મામલે કોળી સમાજ વિફરેલો છે ત્યારે બાવળીયાને પ્રદેશ પ્રમુખ બનાવીને કોંગ્રેસ કોળી સમાજને પોતાની તરફ વાળવાનો દાવ ખેલશે. બાવળિયાને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ના બનાવાયા તેના કારણે વ્યાપેરી નારાજગી પણ દૂર કરાશે.

(8:01 pm IST)