ગુજરાત
News of Tuesday, 13th February 2018

પ્રોવીઝનલ ફી નક્કી કરવા દરેક જિલ્લાની ૧૫ ખાનગી શાળાઓની યાદી મંગાઇ

રાજ્યની ૪૫૦ શાળાઓના અભિપ્રાય બાદ માળખુ રચાશે

અમદાવાદ તા. ૧૩ : સુપ્રીમ કોર્ટ દ્વારા ફી નિર્ધારણ અંગેનો વચગાળાનો આદેશ અપાયા બાદ સરકારે ફી નિયમન સમિતિમાં જજની નિમણૂક સહિત પ્રોવિઝનલ ફીનું માળખું ઘડવાની કવાયત હાથ ધરી છે. પ્રોવિઝનલ ફી પ્રશ્ને સંચાલકો અને વાલીઓ વિભાગમાં ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે ત્યારે ગુજરાત વિભાગ પ્રોવિઝનલ ફીનું માળખું ચોકસાઇપૂર્વક ઘડવા માટે ગુુજરાત બોર્ડ સહિત અન્ય બોર્ડનો અભ્યાસક્રમ ભણાવતી શાળાઓને પણ ધ્યાનમાં લેશે અને તેના માટે શિક્ષણ વિભાગે અમદાવાદ સહિતની કુલ ૪પ૦થી વધુ શાળાઓની વિગતો મંગાવી છે, જેના કારણે રવિવારે રજાના દિવસે પણ ડીઇઓ કચેરીમાં કામગીરી ચાલુ રખાઇ હતી.

શિક્ષણ વિભાગે પ્રોવિઝનલ ફી નક્કી કરવા માટે જિલ્લા દીઠ મંગાવેલી ૧પ શાળાઓની યાદીમાં પાંચ શાળા ગુજરાત બોર્ડ, પાંચ શાળા સીબીએસઇ બોર્ડ તેમજ પ શાળાઓ ઇન્ટરનેશનલ બોર્ડનો સમાવેશ કર્યો છે. દરેક જિલ્લાના ડીઇઓ (જિલ્લા શિક્ષણાધિકારી)એ ૧પ શાળાઓની યાદી તાત્કાલિક ધોરણે બનાવી છે, જેથી હવે કુલ ૪પ૦થી વધુ શાળાઓની પૂરતી ચકાસણી કર્યા બાદ પ્રોવિઝનલ ફી અંગેનો નિર્ણય લેવાશે.

ડીઇઓ કચેરી દ્વારા શાળાનાં નામની યાદી ગુપ્ત રાખવામાં આવી છે. શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓની સંખ્યા-ફીનું માળખું અને શાળાઓની સુવિધાઓ વગેરેની ચકાસણી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્લે-ગ્રૂપથી લઇને ધો.૧ર સુધીની ફીની વિગતો, સુવિધાઓ સાથે વિદ્યાર્થીદીઠ ખર્ચની માગ પણ કરવામાં આવી છે.

(4:34 pm IST)