ગુજરાત
News of Tuesday, 13th February 2018

સાણંદ અને દહેજ બની જશે ભારતના ગ્રોથ એન્જિન

સાણંદ અને દહેજમાં થશે ૧૫ હજાર કરોડનું રોકાણ :ભારતીય, રશિયન અને દ.કોરિયન કંપનીઓએ આ રોકાણ માટે સરકારને પોતાની પ્રપોઝલ મોકલી

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાતના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં દેશી અને વિદેશી રોકાણમાં ખૂબ વધારો થયો છે. જેમાં ખાસ કરીને સાણંદ અને દહેજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ઉદ્યોગો દ્વારા આશરે રુ. ૧૫૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. રાજય સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ભારતીય, રશિયન અને દ. કોરિયન કંપનીઓએ આ રોકાણ માટે સરકારને પોતાની પ્રપોઝલ મોકલી છે.

રશિયાની સ્ટિલ મેકર જાયન્ટ કંપની NLMK ગ્રુપે ભારતમાં રોકાણ માટે ગુજરાત અને તેમાં પણ સાણંદ તથા દહેજ ઇન્ડસ્ટ્રીયલ ઝોન પર પોતાની પસંદગી જાહેર કરી છે. કંપનીએ સરકારને મોકલેલી પોતાની પ્રપોઝલમાં ૭૦૦ મિલિયન અમેરિકી ડાઙ્ખલરનું રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે.

રાજય સરકારના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, 'રશિયાના NLMK ગ્રુપના અધિકારીઓ તાજેતરમાં જ અમને મળ્યા હતા અને રુ.૪,૫૦૦ કરોડનું રોકાણ કરવા માટે તૈયારી દર્શાવી હતી. આ માટે તેમણે સાણંદ ખાતે આગામી ચાર મહિના સુધી ફિઝિબિલિટી ટેસ્ટિંગ કરવા માટે પણ મંજૂરી માગી છે.'

તેમણે વધુમાં કહ્યું કે, 'આ ઉપરાંત ત્રણ રાષ્ટ્રીય જાયન્ટ ઉદ્યોગ જૂથો ટાટા ગ્રુપની સબ્સિડરી કંપની વોલ્ટાસ લિમિટેડ, ઇમામી ગ્રુપ અને એમરોન બેટરીઝે પણ સાણંદ ખાતે રુ. ૪૦૦૦ કરોડનું રોકાણ કરવા ઇચ્છા દર્શાવી છે. જે પૈકી વોલ્ટાસ લિમિટેડ દ્વારા સાણંદ ઇન્ડસ્ટરિયલ એસ્ટેટ ખાતે જમીન ફાળવણી માટે પણ અરજી કરી છે.'

GIDCના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, 'વોલ્ટાસ સાણંદ ખાતે રુ.૧૦૦૦ કરોડના ખર્ચે ઇલેકટ્રોનિકસ ગુડ્સ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેના કારણે ઓછામાં ઓછું ૧૦૦૦ લોકોને સીધી જ રોજગારી મળશે. કંપનીની પ્રપોઝલ હાલ ફાઇનલ સ્ટેજમાં છે.'

સાણંદ ઉપરાંત દહેજ પણ આંતરરાષ્ટ્રીય કંપનીઓની નજરમાં રોકાણ માટે સૌથી ફેવરિટ બની રહ્યું છે. દ. કોરિયાની કંપની હાનવ્હા કેમિકલના અધિકારીઓ તાજેતરમાં જ રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓને મળવા માટે આવ્યા હતા. સરકારને તેમના તરફથી દહેજ ખાતે રુ.૬૦૦૦ કરોડનું રોકાણ થાય તેવી આશા છે.

નામ ન આપવાની શરત સાથે એક અન્ય ઉચ્ચ સરકારી અધિકારીએ કહ્યું કે, 'હાનવ્હા કેમિકલ્સ દહેજ ખાતે PVC પાઇપ્સનો મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવા માગે છે. તેમને સી પોર્ટ નજીક હોય તેવી જગ્યા વધુ અનુકૂળ હોવાથી અમે તેમના માટે હાલ યોગ્ય સાઇટ શોધી રહ્યા છીએ.'

અધિકારીએ કહ્યું કે GIDC અને સરકારના નિયમ મુજબ એકવાર કંપનીઓની પ્રપોઝલને મંજૂરી મળી ગયા બાદ આગળની કાર્યવાહી માટે સિંગલ વિન્ડો કિલયરન્સ મળી જાય અને ઝડપથી ઔદ્યોગીક એકમો પોતાની કામગીરી શરુ કરી શકે તે માટે અમે ત્વરીત કાર્યવાહી કરીશું.

(7:00 pm IST)