ગુજરાત
News of Tuesday, 13th February 2018

હવે પોલીસ જાપ્તામાંથી ફરાર થવું બનશે અશકય

કેદીઓ માટે રૂ. ૨૫થી ૩૦ લાખના ખર્ચે તૈયાર કરાઇ રહી છે પ્રિઝનર વાન

અમદાવાદ તા. ૧૩ : પોલીસ જાપ્તામાંથી ગુનેગાર બાથરૂમ જવાના બહાને કે પછી અન્ય કોઇ બહાનું કાઢીને ફરાર થઇ ગયા હોવાના અનેક કિસ્સા બન્યા છે, જેના કારણે પોલીસની કામગીરી પર અનેક વખત શંકા ઊભી થતી હોય છે. પોલીસ જાપ્તામાંથી ગુનેગાર ફરાર ના થઇ જાય તે માટે ક્રાઇમ બ્રાંચ એટેચ્ડ ટોઈલેટ સાથેની અત્યાધુનિક પ્રિઝનર વાન તૈયાર કરાવી રહી છે. કેદીને ટોઈલેટ-બાથરૂમ માટે નીચે ઉતારવા ના પડે તે માટે રૂ.૨૫ થી ૩૦ લાખના ખર્ચે આ પ્રિઝનર વાન તૈયાર કરાઈ રહી છે.

ખતરનાક આરોપીઓ-આતંકવાદીઓ અને રીઢા ગુનેગારોને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા હોય અથવા તો બીજાં રાજયમાં લઇ જવા હોય તો પ્રિઝનર વાનનો ઉપયોગ કરવામાં આવે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પણ કેદીઓને પ્રિઝનર વાનમાં બેસાડીને કોર્ટ મુદતે પોલીસ જાપ્તા સાથે લાવતા હોય છે. આવી સ્થિતિમાં બાથરૂમ જવાના બહાને કે પછી કુદરતી હાજતે અથવા જમવાના બહાને પોલીસને ખો આપીને કેદી કે આરોપીઓ નાસી છૂટતા હોય છે.

ક્રાઇમ બ્રાંચના ડીસીપી દીપેન ભદ્રન પ્રિઝનર વાનની ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે. પ્રિઝનર વાન માટે ગૃહ વિભાગ દ્વારા દોઢ કરોડ કરતાં વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આવનારા દિવસોમાં ખૂંખાર આરોપી-આતંકવાદીઓને આ સ્પેશિયલ પ્રિઝનર વાનમાં બેસાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવશે.આ સ્પેશિયલ પ્રિઝનર વાનમાં એટેચ ટોઇલેટ-બાથરૂમની સુવિધા કરવામાં આવી છે, જેના કારણે કોઇ પણ આરોપીને બાથરૂમ જવા માટે વાનની નીચે ઉતારવો નહીં પડે. આ સિવાય કેટલાક આરોપીઓ વાનમાં ઝઘડો કરીને ફરાર થઈ જવાનું તરકટ રચે નહીં તે માટે પ્રિઝનર વાનમાં આરોપીઓને અલગ અલગ બેસાડવા માટે કેબિન (બોકસ) હશે છે, જેથી એક આરોપી બીજા આરોપી સાથે વાતચીત પણ ના કરી શકે, જયારે તેમને જમવાનું પણ પ્રિઝનર વાનમાં જ આપવામાં આવશે. આધુનિક પ્રિઝનર વાનથી પોલીસ ૧૦થી ૧૫ કલાક સુધી આરામથી કોઇ પણ જગ્યાએ ડર વગર પહોંચી શકે છે.શહેર પોલીસના એડમિન વિભાગના એડિશનલ પોલીસ કમિશનર વિપુલ અગ્રવાલે જણાવ્યું છે કે પ્રિઝનર વાન ક્રાઇમ બ્રાંચ સહિત શહેરની તમામ પોલીસ ઉપયોગમાં લઇ શકશે. હાલ અંદાજિત પ જેટલી પ્રિઝનર વાન બનાવાશે. આવી સુરક્ષિત વાન બનાવવાના કારણે હવે કેદીઓની હેરફેર માટે વધુ પોલીસની જરૂર નહીં પડે.

એક જમાનામાં અંધેરી આલમનો કુખ્યાત ડોન અબ્દુલ લતીફ પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ જતાં તેનું કોતરપુર ખાતે એન્કાઉન્ટર થયું હતું જયારે શાર્પશૂટર શરીફ ખાન પણ મીરજાપુર કોર્ટ પાસેથી પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. વર્ષ ૨૦૦૬માં તુલસીરામ પ્રજાપતિ પણ પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો, જયાં તેનું અંબાજી નજીકના છાપરી પાસે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.આ સિવાય વર્ષ ૨૦૧૨માં જામનગરમાં જાપ્તાની પોલીસ ઊંઘતી હતી ત્યારે હત્યા કેસનો આરોપી વાનમાંથી નાસી ગયો હતો. આવા અનેક કિસ્સા રાજયમાં બન્યા છે, જેને રોકવા માટે ક્રાઇમ બ્રાંચ દ્વારા સ્પેશિયલ પ્રિઝનર વાન તૈયાર કરવામાં આવી રહી છે.

(4:24 pm IST)