ગુજરાત
News of Tuesday, 13th February 2018

આઇપીએસ બઢતીમાં મોદી નવી નીતિ તૈયાર કરી રહયાની ચર્ચા માત્રથી ઘણા આઇપીએસ અધિકારીઓના 'બીપી ઉંચા'

ગુજરાતમાં એડી. એસપીનું નવું ગતકડું રાષ્ટ્રપતિ મેડલમાં નવી નીતિ આધારે બાદબાકી બાદ હવે જુદી જ હિલચાલથી હલબલાટ : અધુરામાં પુરૃઃ રાજસ્થાનમાં ૧૯૮૩-૮૪ બેચને સુપરસીડ કરી ૮પ બેચના આઇપીએસને મુખ્ય ડીજી બનાવી દીધા

રાજકોટ, તા., ૧૩: 'ભેંસ ભાગોડે, છાશ વાગોડે અને ઘરમાં ઘમાઘમ' જેવો તાલ સિનિયર જુનીયર આઇપીએસ અફસરોમાં સર્જાયો છે. હવે સવાલ એ થાય કે આવુ થવાનું કારણ શું? તો ચાલો આખી વાત સ્પષ્ટતાથી જણાવીએ. કેેન્દ્રમાં મોદી સરકાર આઇપીએસ અધિકારીઓને અપાતા પ્રમોશન નીતિમાં ફેરફાર લાવી રહયાના અખબારી અહેવાલો આધારે અત્યારથી જ ઘણા વિવિધ પ્રકારે અર્થઘટન કરી ચિંતામાં પડયા છે.

પ્રતિવર્ષ દેશભરમાંથી વિવિધ રાજયમાં આમ તો વારા ફરતી જે પોલીસ ચંદ્રક વિવિધ કેટેગરીમાં અપાય છે તેમાં દરખાસ્તમાં એક કોલમ 'શેપ-૧' નું હોય છે. અર્થાત તેમાં જેમના નામની દરખાસ્ત થઇ છે તેની ફીટનેસ કેવી છે? તેનો ઉલ્લેખ થતો હોય છે. હવે શેપ-૧નો અમલ બઢતી વખતે વિચારણા કરાશે તેવી ચર્ચાથી ઘણાને આમાં જુદી 'બુ' આવે છે.

જો કે સેન્ટ્રલમાં આવી કોઇ દરખાસ્ત તૈયાર થઇ નથી કે સ્ટેટનો પણ અભિપ્રાય પુછવામાં આવ્યો નથી પણ જે રીતે ચાલુ વર્ષે મેડલ માટે ચોક્કસ વર્ષની સર્વિસનો નિયમ અમલમાં મુકયો અને જે રીતે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને નવા નિયમ અનુસાર પ્રથમ વખત એસપીને બદલે એડીશ્નલ એસપી બનાવી ડીવાયએસપી પોસ્ટ પર ચાલુ રખાયા તેના કારણે હવે કંઇ અશકય નથી તેવું ઘણા આઇપીએસ મનોમન માનવા લાગ્યા છે.

અધુરામાં પુરૂ રાજસ્થાન સરકારે ડીજીપી પદ માટે ૧૯૮૩ અને ૧૯૮૪ બેચના સિનીયર આઇપીએસ અફસરોને સુપરસીડ કરી ૧૯૮પ બેચના આઇપીએસને મુખ્ય ડીજી બનાવતા હવે ઘણા સિનીયરોના મનમાં પણ ફફળાટ જાગ્યો છે અને હવે શું થાશે અને કોને કયાં મુકાશે? તેની કલ્પનાં આઇપીએસ કે અખબારો ગમે તે કરે પણ દિલ્હી દરબાર ગમે ત્યારે ગમે તેવા કાર્ડ ઉતારી બાજી પોતાની ફેવરમાં કરી લ્યે તો નવાઇ નહી લાગે.

(4:01 pm IST)