ગુજરાત
News of Tuesday, 13th February 2018

પાણી બાદ હવે વીજ કાપ માટે તૈયાર રહેવું પડશે

વીજ ઉત્પાદન ક્ષેત્રે સરપ્લસ હોવાનું ગાણુ ગાતી ગુજરાત સરકાર ઉનાળામાં લોકોની ડિમાન્ડ મુજબ વીજ સપ્લાય કરી શકે તેમ નથી : વિજળી ખરીદવી પડશેઃ ૧૫૦૦ કરોડનો થશે ખર્ચઃ ગુજરાતમાં બંધ પડયા છે બે મોટા વીજ પ્લાન્ટ

નવી દિલ્હી તા. ૧૩ : આ વખતે ઉનાળો ગુજરાતીઓ માટે આકરો સાબિત થશે. એકબાજુ પાછલા દરેક ઉનાળાથી ગરમી વધી રહી છે તો બીજી બાજુ આ વખતે સરકારે ઉનાળાની શરૂઆત પહેલા જ રાજયમાં પાણીની અછત રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. હવે તેટલું પૂરતુ ન હોય તેમ રાજયમાં વિજળીની પણ તંગી પડવાના એંધાણ છે.

સમગ્ર મામલાની જાણકારી રાખનારા એક ઉચ્ચ સરકારી સૂત્રે જણાવ્યું કે, 'રાજયમાં શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે વિજળીની માગ સતત વધી રહી છે. જયારે આયાતી કોલસા આધારીત ૩૦૦૦MW અને ગેસ આધારીત ૫૦૦૦MWના બે પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી હાલ રાજયની વીજ માગને પહોંચી વળવા માટે ઓપન માર્કેટમાંથી ૪૦૦MW વિજળી ખરીદવામાં આવી રહી છે.'

તેમણે વધુમાં કહ્યું કે, 'હાલ રાજયની કુલ વીજ માગ ૧૧,૮૦૦MW છે. જે ગત વર્ષે ઉનાળાના મધ્યમાં ૧૫,૫૭૦પ્ષ્ જેટલી થઈ ગઈ હતી. આ વખતે અમને લાગી રહ્યું છે કે આ માગમાં ૭-૧૦% જેટલો વધારો થઈ શકે છે. તેમજ પાણીની પણ તંગી હોવાથી ભૂગર્ભ જળ કાઢવા માટે વિજળીનો વધુ વપરાશ થશે જે પણ સીધી અસરકર્તા બાબત છે.'

રાજયના તમામ જળાશયોમાં પૂરતા પાણીના અભાવે લોકો પાણીની જરૂરીયાત પૂર્ણ કરવા માટે બોરવેલ અને કૂવા પર વધુ નિર્ભર રહેશે. જેના માટે તેઓ પાણીની મોટરનો યુઝ કરશે. જેથી વર્તમાન ડિમાન્ડની અપેક્ષાએ આગામી ૩ મહિનામાં વિજળીની માગ ૫૨૦૦MW જેટલી વધી શકે છે. જેના કારણે રાજયને માર્કેટ પ્રાઇઝથી વિજળી ખરીદવાનો વારો આવશે.

ડેમમાં પાણી પૂરતા ન હોવાના કારણે રાજયના જળવિદ્યુત મથકો પણ ઉનાળા દરમિયાન બંધ રહેશે. જોકે પાછલા થોડા વર્ષોમાં વૈકલ્પિક  સ્ત્રોત તરીકે સોલાર પાવર અને પવન ઉર્જાનો ઉપયોગ વધ્યો હોવાથી તેનાથી રાજયને થોડાઘણા અંશે રાહત મળી શકે છે.

જોકે માગને જોતા અને રાજય સરકાર હસ્તકના આવા પ્લાનની ઓછી ઉત્પાદન ક્ષમતાને જોતા રાજય સરકાર ૨૪ કલાક વિજળી આપવા માટે અન્ય બેકઅપ પ્લાન તૈયાર કર્યો છે. ગત વર્ષે પણ રાજય સરકારે રુ. ૧૨૦૦ કરોડના ખર્ચે માર્કેટમાંથી વિજળી ખરીદવી પડી હતી ત્યારે આ વર્ષે પણ લગભગ રૂ.૧૫૦૦ કરોડ જેટલુ ફંડ આ પાછળ ખરીદવું પડશે.

(11:20 am IST)