ગુજરાત
News of Tuesday, 13th February 2018

વડોદરા :શાળા સંચાલકોએ કરેલ 10 કરોડનો માનહાનિનો દાવો રદ કરવા વાલીઓની અરજી :26મીએ સુનાવણી

કુલ 14 વાલીઓ પૈકી 6 સામેની કાર્યવાહી પડતી મુકવા શાળા સંચાલકોની માંગ ;નવેસરથી દાવો દાખલ કરવા કોર્ટની તાકીદ

 

વડોદરા : તેજસ વિદ્યાલયના સંચાલકો અને વાલીઓ વચ્ચેના વિવાદના કારણે શાળા સંચાલકો દ્વારા ૧૪ વાલી રૃપેશ પટેલ, દેવીબેન શાહ, હર્ષરાજ રાઠોડ, વૈશાલીબેન પટેલ, અજય શર્મા, ગૌરાંગ મકવાણા, સંજીવ સોલંકી, જતીન પટેલ, ઘનશ્યામ ઠક્કર, મયંક ઠક્કર, સપન પટેલ, સોનલબેન સોલંકી, સંજયકુમાર સિદ્ધાર્થ અને તપન પટેલ સામે કોર્ટમાં ૧૦ કરોડનો માનહાનિનો દાવો દાખલ કરાયો હતો.દિવાની કોર્ટમાં દાખલ કરેલો ૧૦ કરોડનો માનહાનિનો દાવો રદ કરવા માટે વાલીઓ તરફથી સુનાવણી વખતે સીઆરપીસીના રૃલ -૧૧ મુજબની અરજી આપી હતી. દાવો રદ કરવો કે પછી આગળ મુકદમો ચલાવવો તે અંગેની વધુ સુનાવણી તા.૨૬ ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

   દાવાની દિવાની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે વાલીઓએ તેમનાં વકીલ મારફતે કાયદામાં દર્શાવાયેલી જોગવાઈ મુજબ દાવો રદ કરવા અરજી આપી હતી દાવો રદ કરવા માટે વાલીઓ તરફથી થયેલી અરજીની સુનાવણી તા.૨૬ ફેબ્રુઆરી ઉપર મુલતવી રાખવામાં આવી છે.

   બીજીતરફ માનહાનિના દાવામાં દર્શાવેલા કુલ ૧૪ વાલીઓમાંથી વાલી સામેની કાર્યવાહી પડતી મૂકવા માટે શાળા સંચાલકો દ્વારા કોર્ટમાં અરજી આપવામાં આવી હતી. વાલીઓને પડતા મૂકવાની માગણી કરી છે, તેમાં દેવીબેન શાહ, હર્ષરાજ રાઠોડ, વૈશાલીબેન પટેલ, ઘનશ્યામ ઠક્કર, સપન પટેલ અને તપન પટેલનો સમાવેશ થાય છે.બાકી રહેલા વાલીઓ સામે નવેસરથી દાવો દાખલ કરવા માટે કોર્ટ તરફથી શાળા સંચાલકોને તાકીદ કરવામાં આવી છે.

(9:10 am IST)