ગુજરાત
News of Tuesday, 13th February 2018

વલસાડના ભિલાડ તાલુકાના સરી ગામમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરનારા ૨ ઝડપાયાઃ રિમાન્ડની તજવીજ

વલસાડઃ વલસાડના ભિલાડના સરી ગામમાં સોના-ચાંદીની દુકાનને નિશાન બનાવીને લૂંટ ચલાવનારા ૨ શખ્સોને પોલીસે ઝડપી લઇને પૂછપરછ હાથ ધરી છે.

ભિલાડના સરી ગામમાં સોના-ચાંદીની દુકાનમાં લૂંટારૂઓએ ધોળા દિવસે ઘાતક હથિયારો સાથે લૂંટ ચલાવી ત્રણ ઇસમોને ઘાયલ કરી ભાગી છૂટ્યા હતા. આ ચકચારી લૂંટ પ્રકરણમાં વલસાડ પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ભિલાડના સરી ગામના મેઇન બજારમાં પુજા જ્વેલર્સ નામની સોની કામની દુકાન આવેલી છે. સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા નારાયણલાલ તેજારામ કુંભારની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે ઇસમો આવ્યો હતા. તેમણે થેલામાં રાખેલા ચપ્પુ તથા મોટો છરો કાઢીને ધમકી આપી હતી કે, 'ચૂપચાપ માલ નીકાલ કે દે દે' જેથી દુકાનમાં શો કેસમાં રાખેલા સોના ચાંદીના દાગીના તેઓને આપી દેતા થેલામાં મૂકી દુકાનની બહાર જતા હતા. ત્યારબાદ નારાયણલાલે બૂમ પાડતા ઇસમે છરો મારી હાથે ઇજા કરી હતી. લૂંટારા નાસવા લાગતા બૂમાબૂમ કરતા રાહદારીઓ તથા આજુબાજુના દુકાનવાળાઓ ભેગા થઇ જતા તેમાંના બે લોકોએ પણ છરીના ઘા મારી ફરાર થઇ ગયા હતાં.

આ આરોપીઓને સીસીટીવી અને ગાડી નંબરના આધારે મુંબઇથી પકડી પાડ્યા હતા. આ એક એવી ગેંગ છે જે વોચ કરીને લૂંટ કરે છે. આ ગેંગના બીજા સાથીઓને પકડવાના બાકી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસે તપાસ કરતા મુંબઇ પનવેલ ખાતે રહેતા જમીલ મહમદ કુરેશી તથા તેના પુત્ર સોહેલ તથા તેના પુત્રોના મિત્રો મયુર ઉર્ફે મેક રવિભાઇ આચાર તથા અન્ના નામનો ઇસમ ભેગા મળી મહારાષ્ટ્ર બોર્ડરથી નજીકમાં ગુજરાત સરી ગામ ખાતે જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરી હોવાનું જણાતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આ ગેંગે તે જ દિવસે વાપી, ભિલાડ, સરી ગામની ત્રણ ચાર જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમાં તેઓ સફળ થઇ શકયા નહોતા.

આ ચકચારી લૂંટ અંગે પોલીસે ટીમો બનાવી મહારાષ્ટ્રમાં મુંબઇ તથા પનવેલમાં જુદી-જુદી જગ્યાઓએ ખાનગી વોચ રાખી ઉપરોકત બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(5:55 pm IST)