ગુજરાત
News of Tuesday, 13th February 2018

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિદ્યાર્થીઓને પદ્વી અર્પણ કરશે

સુરતઃ સુરતમાં તા.૨૬મી ફેબ્રુઆરીએ વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદ્વીદાન સમારોહ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં યોજાશે. આ અગાઉ ૧૫ વર્ષ પહેલા રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ અહીં પદ્વીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતાં.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુવિનર્સિટીના પદ્વીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરીની મહોર મારી દીધી છે. ત્યારે ૧પ વર્ષ પછી એવા સંજોગો યુનિવર્સિટીમાં સર્જાશે કે રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા હોય. ૧૫ વર્ષ પૂર્વે એટલે કે વર્ષ ૨૦૦૩માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા હતાં.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૪૮મો પદ્વીદાન સમારોહ તા.૨૬મી ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં બપોરે ૧૨થી ૧ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. જાન્યુઆરી મહિનામાં કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તા રાષ્ટ્રપતિને આમંત્રણ આપવા દિલ્હી ગયા હતા. તે વખતે રાષ્ટ્રપતિએ હા પાડ્યા પછી સત્તાવાર જાહેરાત કરવાની થોડા દિવસો પછી કહ્યું હતું. હવે કુલપતિને રવિવારે સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ ભવનમાંથી ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બપોરે ૧૨ વાગ્યાથી ૧ વાગ્યા સુધી રાષ્ટ્રપતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહેશે.

(5:55 pm IST)