ગુજરાત
News of Sunday, 13th January 2019

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાંગોદર પાસે બસ અને ડમ્‍પર વચ્‍ચે ગંભીર અકસ્‍માત: પેસેન્‍જરોને ઇજા

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક ગત મોડી રાત્રે પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧પ મુસાફરોને નાની-મોટી ઈજા થઇ હતી. ડમ્પર સાથે બસ અથડાયા બાદ વેર હાઉસની દીવાલ સાથે અથડાયું હતું. મોડી રાતે થયેલા અકસ્માતમાં તમામ લોકોનો ચમત્કા‌િરક બચાવ થયો છે. લકઝરી બસ અમદાવાદથી વેરાવળ જતી હતી.

મોડી રાતે અમદાવાદથી પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ વેરાવળ જવા માટે નીકળી હતી. બસ સરખેજથી બાવળા તરફ પુરઝડપે જઇ રહી હતી ત્યારે ચાંગોદર પાસે એક ડમ્પર સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. બસની સ્પીડ એટલી વધારે હતી કે ડ્રાઈવરે ‌સ્‍ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં દીવાલ સાથે અથડાઇ હતી. ડમ્પર સાથે અથડાતાંની સાથે જ બસ દીવાલ સાથે અથડાઇ હતી. મોડી રાતે થયેલા આ અકસ્માતથી પેસેન્જરોમાં બૂમાબૂમ મચી ગઇ હતી. આ ઘટનામાં બસના ડ્રાઇવર સહિત કુલ ૧પ લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી, જેમને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(12:13 pm IST)