ગુજરાત
News of Sunday, 13th January 2019

રાજ્યમાં 2420 હેકટર જમીનમાં 16 નવી જીઆઇડીસી બનાવશે :માઈક્રો,નાના અને લઘુ ઉદ્યોગોને મળશે રાહત

મોટાભાગની વસાહતો માટે જમીન સંપાદનની પ્રક્રિયા લગભગ પૂર્ણ

 

અમદાવાદ :માઇક્રો, નાના અને મધ્યમ સાહસો (MSME)ને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે રાજ્યમાં 2,420 હેકટર જમીનમાં 16 નવી GIDC એસ્ટેટની યોજના બનાવી છે. યોજનામાં ચાર GIDC કાર્યરત થઈ ગઇ છે, બાકીની વિકાસના વિવિધ તબક્કામાં છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને જમીન સંપાદનનું કાર્ય બાકી છે.

 ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડી થારાએ જણાવ્યું હતું કે નવી GIDCનો હેતુ રાજ્યના વિવિધ સ્થળોએ 8,000 નવા MSME એકમો માટે સુવિધા ઉભી કરવાનો છે. મોટાભાગની વસાહતો માટે જમીન સંપાદનની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

 થારાએ જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં વધુ GIDC એસ્ટેટની જાહેરાત થઈ શકે છે. અમે મલ્ટી સેક્ટર ઔદ્યોગિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જો કે ઓટો સેક્ટર માટે મોટા પ્લોટ પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના વણોદમાં, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં ભાગપુર અને ભાવનગર જિલ્લામાં નવા-માધિયામાં GIDC ફેલાયેલી હશે.

  ઉપરાંત રાજકોટના લોધિકા તાલુકામાં GIDCની યોજના છે, જ્યારે કચ્છમાં મોતીચિરાઇમાં નવી GIDC બનાવવામાં આવી છે. સુરતના બારડોલી તાલુકામાં મિયાવાડી, કચ્છના રાપર તાલુકામાં ચિત્રોડ, દાહોદમાં ખારેડી અને અમરેલી જિલ્લામાં સાવરકુન્ડલામાં એસ્ટેટ બનશે.

 સરાકરના આયોજન પ્રમાણે પાટણના હારીજમાં, અમરેલીના લાઠીમાં, અરવલ્લીના મોડાસાના ગામ શિનવાડામાં, મોરબીના ટંકારામાં અને જાનગરના ધ્રોલમાં નવી GIDCનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ GIDC માટે 2420 હેક્ટર જેટલી જમીન સંપાદન કરવામાં આવી છે.

(11:45 pm IST)