ગુજરાત
News of Tuesday, 12th November 2019

મહિસાગરની કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યને ભાજપે કર્યા સસ્પેન્ડ

સત્તાવાર ઉમેદવાર સામે બળવો કર્યો હતો : ક્રોસ વોટીંગ કરીને પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા

 

મહીસાગર :કોંગેસના નેતાઓમાં આંતરિક વિખવાદ અને આંતરિક જૂથવાદ સામે આવે છે. તેમ હવે ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં પણ ભાજપના સભ્યોનો આંતરિક વિખવાદ અને જૂથવાદ સામે આવ્યો છે. મહિસાગરની કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ અને એક સભ્યને પ્રદેશ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સભ્યોએ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કર્યો હતો અને ક્રોસ વોટીંગ કરીને પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જેથી પ્રદેશ ભાજપ દ્વારા બળવાખોરો સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

મહિસાગરની કડાણા તાલુકા પંચાયતની 20 સપ્ટેમ્બર, 2019ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ વનીતાબેન ડીંડોરસ, ઉપ પ્રમુખ મંજૂલાબેન ડામોર અને સભ્ય કનુભાઈએ પાર્ટીના મેન્ડેટ ઉમેદવાર વિરુદ્ધ મતદાન કર્યું હતું. ત્યારબાદ બળવાખોર સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જેથી પ્રદેશ ભાજપ દ્વારા તામમ પર કાર્યવાહી કરીને પ્રમુખ, ઉપ પ્રમુખ અને સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે, જે સમયે ચૂંટણી યોજાઈ હતી તે પહેલા સંતરામપુરના ધાસભ્યનું એક કોલ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેમાં ધારાસભ્યો અન્ય સભ્યોને પણ બળવો કરવાની વાત કરી રહ્યા હતા. જે સમયે તાલુકા પંચાયત કોંગ્રેસની સત્તામાં હતી તે સમયે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે બળવો કરતા કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી. તેથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ ઝવરા બામણિયા અને ઉપ પ્રમુખ અરવિંદ માલિવાડને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ભાજપના દ્વારા તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ અને ઉપ પ્રમુખ અને એક સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(12:09 am IST)