ગુજરાત
News of Tuesday, 12th November 2019

વાઘોડિયા ખાતે યુવાનનો હાથ બાંધેલ હાલતમાં મૃતદેહ મળ્યો

હત્યા કરીને લાશ ફેંકી દેવાઇ હોવાની આશંકા : યુવાનના ખિસ્સામાંથી લીંબુ મળતા તાંત્રિક વિધીનો ભોગ બન્યાની ચર્ચાઓ : પોલીસે તાંત્રિક વિધીની વાતને નકારી

અમદાવાદ, તા.૧૨ : વડોદરાના વાઘોડિયા તાલુકાના વેજલપુર બ્રીજ નીચેથી હાથ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવકની હત્યા કરી કરીને લાશ ફેંકી દેવાઇ હોવાની પોલીસને આશંકા હોઇ પોલીસે તપાસ તેજ બનાવી છે. બીજીબાજુ, મૃતક યુવાનના ખિસ્સામાંથી લીંબુ મળી આવતા તાંત્રિક વિધીનો ભોગ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે, પોલીસે તાંત્રિક વિધીની વાતને નકારી દીધી છે. પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. પીએમ રિપોર્ટ બાદ સાચુ કારણ સ્પષ્ટ થશે તેવું પોલીસનું માનવું છે.

                 વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વેજલપુર બ્રીજ નીચે હાથ બાંધેલી હાલતમાં લાશ હોવાની માહિતી વાઘોડિયા પોલીસને મળી હતી. માહિતી મળતા પી.આઇ. પી.કે. ગોહિલ તુરંત સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનના હાથ બાંધેલા હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસે મરણનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસ અને સ્થાનિક સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે બ્રીજ પાસેથી નદી પસાર થાય છે અને નદીની નજીકમાં સ્મશાન આવેલું છે. સોમવારે ચૌદશ હતી. મૃતકના ખીસ્સામાંથી લીંબુ મળી આવતા તાંત્રિક વિધી કરાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે, પોલીસ તાંત્રિક વિધીને નકારી રહી છે. હાલ પોલીસે મૃતક ક્યાંનો રહેવાસી છે. તે અંગે તપાસ કરી રહી છે. બીજી બાજુ પોલીસ મૃતકની હત્યા કેવી રીતે અને કયા સંજોગોમાં અને કયા કારણસર થઇ તે સવાલોને લઇ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(8:37 pm IST)