ગુજરાત
News of Tuesday, 12th November 2019

વડોદરાના નવા યાર્ડ વિસ્‍તારની નેશનલ કેમિકલ કંપનીમાં જ્વલનશીલ કેમિકલના ગોડાઉનમાં વિકરાળ આગઃ ફાયર બ્રિગેડની ૧૬થી વધુ ગાડીઓ તાત્કાલીક દોડાવાઇ

વડોદરા :વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ નેશનલ કેમિકલ કંપનીમાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળી હતી. જોકે, ફાયર બ્રિગેડના મહત્તમ પ્રયાસો છતા પણ આ આગ હજી પણ કાબૂમાં આવી શકી નથી. ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલ ભરેલુ હતું. જેને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓએ સતત આગ પર ફોર્મનો મારો ચલાવ્યો હતો, જેના બાદ પણ આગ કાબુમાં આવી નથી. ફાયર ઓફિસર ઓમ જાડેજાએ કહ્યું કે, ફાયર બ્રિગેડની 16થી વધુ ગાડીઓ તાત્કાલિક દોડાવાઈ હતી. ગોડાઉનમાં અંદાજે 5000 મેટ્રિક ટન કેમિકલ હોવાનું અમારુ અનુમાન છે.

રહેણાંક વિસ્તારમાં કેમિકલની તીવ્ર વાસ ફેલાઈ

આ ઘટનાને પગલે કંપનીના સંચાલકો કંપની પર પહોંચ્યા હતા. રહેણાક વિસ્તારમાં આગ લાગી હોવાથી આસપાસના રહેવાસીઓને સતર્ક કરાયા હતા, જેથી કોઈ જાનહાનિ ન થાય. કેમિકલને કારણે વાતાવરણમાં કેમિકલની વાસ ચારેતરફ ફેલાઈ ગઈ છે, જેથી તેની તીવ્ર વાસથી લોકો પરેશાન થયા છે. તો બીજી તરફ, ફાયર બ્રિગેડના અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, જો આ આગ કાબૂમાં નહિ આવે તો બિલ્ડિંગ તોડી પડાશે. 

               ભીષણ આગ હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને આગ પર કાબૂમાં મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. ફાયર બ્રિગેડના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી ગોડાઉનમાં પ્રવેશ કર્યો, તો ગોડાઉનમાંથી ધુમાડો બહાર નીકળે તે માટે તેના કાંચ પણ તોડી પાડયા હતા. ઘટનાની જાણ થતા જ કોંગ્રેસ ના નેતાઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સાથે જ અધિક નિવાસી કલેક્ટર અને પાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા. ફાયર બ્રિગેડના અધિકારી ઓમ જાડેજાએ કહ્યું કે, આગ લાગવાની ઘટનામાં એફએસએલની મદદ લેવાશે. સાથે જ આગ કેમ લાગી તેની પણ તપાસ કરાશે. તો કોંગ્રેસના નરેન્દ્ર રાવતે આગ લાગવાની ઘટનામાં કંપની સંચાલકોની ઘોર બેદરકારી ગણાવી. કારણ કે રહેણાંક વિસ્તારમાં ગોડાઉનમાં મર્યાદા કરતાં વધુ કેમિકલનો સ્ટોક રાખવામાં આવ્યો હતો. નરેન્દ્ર રાવતે કંપની ના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવા માંગ કરી.

(5:06 pm IST)