ગુજરાત
News of Tuesday, 12th November 2019

લર્નિંગ લાઇસન્સની તમામ કામગીરી આરટીઓમાં સંપૂર્ણ બંધ કરાઇ

આરટીઓનું સોફટવેર બદલાયું: હવે બધી કામગીરી આઇટીઆઇમાં જ થશે

અમદાવાદ તા. ૧રઃ આરટીઓમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હવે ભૂતકાળ બની જશે. કેમકે, આરટીઓ કચેરીમાંથી કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની કામગીરી હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તેના માટે આરટીઓના સોફટવેરમાં ફેરફાર પણ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે આરટીઓમાંથી લર્નિંગ લાઇસન્સની એપોન્ટમેન્ટ નહીં મળે. તાત્કાલિક ધોરણે આ બદલાવ કરવા માટે સારથી સોફટવેરમાં આરટીઓનો લર્નિંગ લાઇસન્સનો સ્લોટ કાઢી નાખવામાં આવ્યો છે.

હવે ઉમેદવારે લર્નિંગ લાઇસન્સ માટે તેની નજીકની આઇટીઆઇનો ફરજિયાત સંપર્ક કરવાનો રહેશે. આરટીઓનો ભાર ઓછો કરવા માટે હવે આઇટીઆઇમાં લર્નિંગ લાઇસન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શરૂઆતી તબકકે સિસ્ટમ પૂરી રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી આરટીઓમાંથી એપોઇન્ટમેન્ટ અપાતી હતી. એક અઠવાડિયાં સુધી આરટીઓમાં લર્નિંગ લાઇસન્સની કામગીરી ચાલુ રખાઇ હતી. જે હવે આજથી બંધ કરાઇ છે.

આ માટે આઇટીઆઇને પ્રતિ લર્નિંગ લાઇસન્સ ૧૦૦ રૂપિયાનું વળતર અપાય છે. જેમાંથી આઇટીઆઇને ઇન્સ્ટ્રકટરનો પગાર ચૂકવવાનો રહેશે. નવા નિયમ અનુસાર આરટીઓ દ્વારા હવે પછી કોઇપણ વાહન ચાલકને જો લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું હશે તો સાથે સાથે ફરજિયાત પાકા લાઇસન્સની ફી પણ ભરી દેવી પડશે. તેના માટે વાહન ચાલકે એન્ડોર્સમેન્ટ પ્રાક્રિયા પૂરી કરવી પડશે. અત્યાર સુધી લર્નિંગ લાઇસન્સ માટે માત્ર રૂ. ૧પ૦ ભરવાના થતા હતા, તેની સાથે હવે ફરજિયાત રૂ. ૧૦પ૦ પણ ભરી દેવા પડશે. આ નિયમના કારણે હવે પછી લાઇસન્સ કઢાવવા માટે કોઇપણ વાહન માલિક કે વાહનચાલકને રૂ. ૧૦પ૦ એક મહિનો પહેલાં આપી દેવા પડશે. જો કોઇપણ વ્યકિત પાસે ટુ વ્હીલરનું લાઇસન્સ હશે અને તેને રિક્ષા અથવા તો ફોર વ્હીલરનું લાસન્સ કઢાવવું હશે તો જે તે વાહનચાલક કે વાહનમાલિકને આ અંગે લાઇસન્સમાં ઉમેરો કરી અને ટેસ્ટ આપવો પડશે.

(4:26 pm IST)