પિરોટન-શિયાળ-રોજી સહિતના ટાપુઓનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થઇ શકે છે
અમદાવાદ તા.૧૨: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બીજી બેઠક મળી હતી. રાજ્યના ૫૦ હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા આઇલેન્ડ બેટના પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની સંભાવનાઓ વિશે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાન આ ઓથોરિટીના અધ્યક્ષ તેમ જ નાયબ મુખ્ય પ્રધાન, પ્રવાસન પ્રધાન, વન-પર્યાવરણ પ્રધાન સહિત વરિષ્ઠ સચિવો આ ઓથોરિટીના સભ્ય તરીકે સેવા આપે છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.
વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી આ ઓથોરિટીની બીજી બેઠકમાં ટાપુઓ પર પ્રવાસન સહિતના સર્વગ્રાહી વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું કે જિલ્લા કલેકટરો દ્વારા પિરોટન, કાળુભાર,ગાંટિયાકડો, પાનેરો, રોજી,અજાડ, ભાઇદર, શિયાળ, નોરા, પિરમ, વાલવોડ અને આલિયા બેટ તેમ જ કેડિયા બેટ જેવા ૧૩ જેટલા ટાપુઓની વિકાસ સંભાવનાઓવાળા ટાપુ તરીકે ઓળખ કરવામાં આવી છે. આ બધા ટાપુઓનો ડ્રોન ટેકનોલોજી દ્વારા મરીન પોલીસ અને કોસ્ટગાર્ડની સહાયથી સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. આ ટાપુઓની પસંદગી વિશેષતાઓ તેમ જ ભરતી વેળાની સ્થિતિવિષયક બાબતે વિશે બેઠકમાં વિસ્તૃત ચર્ચાવિચારણા પણ કરવામાં આવી હતી. ખાસ કરીને પિરોટન ટાપુ અને શિયાળ બેટ ટાપુની પ્રવાસન વિકાસ સંભાવનાઓ વિશે સમીક્ષા કરવામાં આવી હતી.
પિરોટન ટાપુ નજીકના ન્યુ બેડી બંદરથી ત્યાં પહોંચી શકવાની બાબતે આ ટાપુ પર લીમડો, કાથી,આંબળા,બાવળ જેવાં વૃક્ષો અને ચેરનાં વૃક્ષ સહિત પરવાળા તેમ જ ટાપુ પર લાઇટહાઉસ દીવાદાંડી વગેરેને કારણે ટાપુના પ્રવાસન ધામ તરીકે વિકાસની સંભાવનાઓ પ્રબળ છે એની વિશેષ ચર્ચા બેઠકમાં થઇ હતી.