ગુજરાત
News of Tuesday, 12th November 2019

કાલે વડોદરામાં ભગવાન નરસિંહજીનો ૨૮૨મો ભવ્ય વરઘોડો: લોખંડી બંદોબસ્ત

મંદિર પરિસર, પોળ તથા ન્યાયમંદિર દરવાજા પાસે ભજન મંડળીઓ અને ડાયરાની રંગત જામી

            વડોદરામાં કાલે દેવ દિવાળી નિમિતે યોજાતા ભગવાન નરસિંહજીના વરઘોડો નિકળશે. નરસિંહજીના વરઘોડો છેલ્લા ૨૮૧ વર્ષથી નીકળી રહ્યો છે, આ ૨૮૨મો વરઘોડો હશે. આ ઐતિહાસીક વરઘોડા માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વરઘોડાની પૂર્વ સંધ્યાએ વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં રોશનીઓના ઝળહળાટ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસર, નરસિંહજીની પોળ તથા ન્યાયમંદિર દરવાજા પાસે ભજન મંડળીઓ અને ડાયરાની રંગત જામવા લાગી છે. 

           માંડવી નરસિંહજીની પોળમાં આવેલ ભગવાન નરસિંહજીના મંદિરથી કાલે સાંજે ૪.૩૦ વાગ્યે ધામધૂમથી વરઘોડાનું પ્રસ્થાન થશે. ભગવાન નરસિંહજી ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇને તુલસીવાડી ખાતે તુલસીજીને પરણવા જશે. આ વરઘોડામાં ભજન મંડળીઓ, નૃત્ય મંડળીઓ, મહિલા મંડળો, યુવા મંડળો, બેન્ડવાજા, ઢોલ, ત્રાસા, શરણાઇ વાદકો, શારીરિક કરતબો કરતા અખાડાના યુવકો, વેષભૂષા ધારી બાળકો સહિત હજારો ભક્તજનો જોડાશે. વરઘોડો નરસિંહજીની પોળથી નીકળીને ફતેપુરા તરફ જશે અને રાત્રે તુલસીવાડી ખાતે પહોંચશે જ્યાં વૈદિક પરંપરા અનુસાર બ્રાહ્મણો નરસિંહજીની તુલસીજી સાથે લગ્ન વિધી કરાવશે અને બુધવારે પરોઢીયે વરઘોડો નિજ મંદિર પરત ફરશે.
            ન્યાયમંદિર દરવાજા પાસે લોક ડાયરમાં અભેસિંહ રાઠોડ, વત્સલાબેન પાટીલ સહિત કલાકારોએ લોક સાહિત્યનું રસપાન કરાવ્યુ હતું. નરસિંહજી મંદિરમાં મંદિરમાં વિવિધ વિધી યોજાઇ હતી. પરંપરાગત રીતે પાલખી ઉચકતા ભોય સમાજના લોકોએ આજે પાલખીને સજ્જ કરી દીધી હતી.  મોડી સાંજથી જ ભજન મંડળીઓએ રમઝટ બોલાવવાની શરૂઆત થઇ ગઇ હતી. મહિલા મંડળોએ ભગવાનના લગ્નની ખુશીમાં લગ્ન ગીતો ગાવાની પણ શરૂઆત થઇ ગઇ હતી. 
           ભગવાનના મંદિર તેમજ ગગનચુંબી દીપમાળા સ્વચ્છ-સુઘડ કરી મેઘધનુષી રોશનીથી ઝળહળી ઉઠી હતી. નરસિંહજીની પોળમાં આવેલા નરસિંહજી મંદિરથી નિકળનારા વરઘોડાના રૂટ પર આજે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગૈહલોતે ટીમ સાથે મુલાકાત લીધી હતી. આવતીકાલે કોઇ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. વરઘોડાનો મોટાભાગનો વિસ્તાર અત્યંત સંવેદશનશીલ છે. તેમાં ખાસ કરીને આવતી મોટા ભાગની પોળામાં ધાબા પોઇન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે. આ વરઘોડો શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન્ થાય તે માટે તંત્ર ઉપરાંત સ્થાનીક રહીશો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. 

(10:21 am IST)