ગુજરાત
News of Tuesday, 12th October 2021

સુરતમાં મૂર્તિઓના વિસર્જન માટે પાલિકાનું અનોખું આયોજન: નેધરલેન્ડની જેમ વોટર પ્લાઝા બનાવાશે

પ્રાયોગિક ધોરણે કતારગામ ઝોનમાં એક વોટર પ્લાઝા બનાવવાની વિચારણા

સુરત:શહેરમાં ધામધૂમ પૂર્વક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ, દશામાં અને નવરાત્રી સહિતના તહેવાર દરમ્યાન ભક્તો દ્વારા દેવી, દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી હોય છે. પ્રતિમાનું વિસર્જન કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવતા હોય છે.જેમાં દર વર્ષે લાખોનો ખર્ચ કરવામાં આવતા કૃત્રિમ તળાવોથી છુટકારો મેળવવા માટે અને કૃત્રિમ તળાવના વિકલ્પ રૂપે વોટર પ્લાઝા બનાવવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે કતારગામ ઝોનમાં એક વોટર પ્લાઝા બનાવવાની વિચારણા કરવામાં આવી છે. ત્યારબાદ તમામે તમામ ઝોનમાં એક એક વોટર પ્લાઝા વિકસાવવામાં આવશે.

મેયર હેમાલી બોઘાવાલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વોટર પ્લાઝાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. પ્રાયોગિક ધોરણે મનપાના કતારગામ ઝોનમાં 5500 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ પર વોટર પ્લાઝા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વોટર પ્લાઝમા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસીતમ, અર્બન કુલિંગ, રિક્રિયેશન અને પ્લે ગ્રાઉન્ડ ફેસિલિટી, એમ્ફિથિયેટર, સોશિયલ ગેધરિંગ ના વિવિધ હેતુઓ સાથે ચોમાસા દરમ્યાન વરસાદી પાણીનો ઉપયોગ તેના શુદ્ધીકરણ સહીત આજુબાજુના વિસ્તારોમાંથી રૂફટોપ વરસાદી પાણીનું સંગ્રહ અને સિંચન માટે પણ વોટર પ્લાઝાનો ઉપયોગ કરવામાં આવશે.

જેનાથી ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો થશે અને અર્બન ફ્લડીંગથી પણ છુટકારો મળશે. નોંધનીય છે કે ગણેશ વિસર્જન, દશામા વિસર્જન અને દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા સાથે છઠ પૂજા માટે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. તેવામાં આ વોટર પ્લાઝાનો ઉપયોગ મહાનગરપાલિકા તેના માટે પણ કરી શકશે.

જેનાથી સાથી મોટો ફાયદો પાણીનો બચાવ, પ્રદુષણની સમસ્યા સાથે દર વર્ષે કૃત્રિમ તળાવ બનાવવા માટે પાલિકા દ્વારા જે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમાં પણ બચાવ થશે. જયારે વરસાદ ન પડે ત્યારે પીપીપી ધોરણે પ્લોટ રમતગમત તેમજ અન્ય પ્રવૃત્તિ માટે ભાડે આપવાનું પણ આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. કૃત્રિમ તળાવની સાઈઝ કરતા બમણા આ વોટર પ્લાઝા હશે. દર વર્ષે 3 કરોડના ખર્ચે સાત ઝોનમાં 21 કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. જેમાં 18 બિલિયન લીટર પાણી લાવવામાં આવે છે. ત્યારે રોટરડેમના પ્રોજેક્ટ ઉપરથી પ્રેરણા લઈને મનપા દ્વારા આ પ્લાઝા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

(1:28 pm IST)