ગુજરાત
News of Friday, 12th October 2018

અમદાવાદ શહેરમાં ૫૫૪ સીસીટીવી કેમેરા કામ કરી રહ્યા નથી

મહત્વના સ્થળો ઉપરના સીસીટીવી નિષ્ક્રિયઃ જુના સીસીટીવી કેમેરાનો છેલ્લાં છ મહિનાથી ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ નહીં અપાયો હોવાની ચર્ચાઓ

અમદાવાદ, તા.૧૨: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે તે સમયે જે તે પ્રોજેકટના ઢોલનગારાં વગાડી તંત્ર દ્વારા નાગરિકો સમક્ષ ફૂલગુલાબી ચિત્ર રજૂ કરાય છે. સત્તાધીશોની મનમોહક જાહેરાતથી સામાન્ય લોકો સરળતાથી પ્રભાવિત થાય છે પણ આ પહેલી નજરે સોનેરી લાગતા સિક્કાની બીજી બાજુ ચોંકાવનારી હોય છે. હાલનાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અગાઉ ઇ-ગવર્નન્સ પ્રોજેકટ હેઠળ શહેરભરમાં બીઆરટીએસ કોરિડોર ઉપરાંત ચાર રસ્તા પર મુકાયેલા પપ૪ સીસીટીવી કેમેરા છેલ્લા છ મહિનાથી મેન્ટેનન્સના અભાવે ધૂળ ખાતા પડ્યા છે. તંત્રમાં સીસીટીવી કેમેરાના ધુપ્પલથી નવો વિવાદ સામે આવ્યો છે. અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ શહેરને સ્માર્ટ સિટી બનાવવા પર વધુ ને વધુ ભાર મુકાઇ રહ્યો છે. જે અંતર્ગત ફ્રી જનમિત્ર કાર્ડની જાહેરાત, નવા નવા સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા, ડિજિટલ પેમેન્ટ, આઇટીએમએસ પ્રોજેકટ વગેરે બાબતોને તંત્ર દ્વારા મહત્વ અપાઇ રહ્યું છે. જોકે ચાર-પાંચ વર્ષ પહેલા ઇ-ગવર્નન્સ પર ભાર મૂકાયો હતો. ઇ-ગવર્નન્સ પ્રોજેકટ હેઠળ નાગરિકો ઘરઆંગણે પાણી, ગટર અને રસ્તા સહિતની મ્યુનિસિપલ તંત્રની સુવિધા સામે ફરિયાદ નોંધાવી શકે તે આશયથી સિવિક સેન્ટર ઊભાં કરાયાં હતાં તેમાં કોમ્પ્રિહેન્સિવ રિડ્રેસલ સિસ્ટમ (સીસીઆરએસ) અમલમાં મૂકીને તેનાં ફરિયાદ નંબર ૧પપ૩૦૩થી નાગરિકો મ્યુનિસિપલ સેવાને લગતી ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત પોલીસ વિભાગ સાથેના સંકલનથી શહેરનાં ચાર રસ્તા સહિત મહત્વના સ્થળો તેમજ બીઆરટીએસ કોરિડોરમાં પપ૪ સીસીટીવી કેમેરા મુકાયા છે. આ પપ૪ જૂના સીસીટીવી કેમેરાની ચાલુ અને બંધ હાલત અંગેનો મુદ્દો છેલ્લી ત્રણ સ્ટેન્ડિંગ કમિટીમાં ઊઠ્યો હતો. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય જતીન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારની સૂચનાથી આ સીસીટીવી કેમેરાને તંત્રએ પોતાના ખર્ચે અને જોખમે શહેરમાં લગાવ્યા છે. આ કેમેરાના સ્ટેટસ માટે છેલ્લી ત્રણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મારી ઉગ્ર રજૂઆતને પગલે તંત્ર દ્વારા ચોંકાવનારી વિગત અપાઇ છે. આ જુના સીસીટીવી કેમેરાનો છેલ્લાં છ મહિનાથી ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ અપાયો નથી એટલે લાખો રૂપિયાના ખર્ચે લગાવાયેલા સીસીટીવી કેમેરાની ઉપયોગિતા સામે પ્રશ્ન સર્જાયો છે. દરમ્યાન ખારીકટ કેનાલની સ્વચ્છતા ઝુંબેશ હેઠળ તંત્ર દ્વારા કુલ ૧ર૯ સીસીટીવી કેમેરા લગાવવાનાં છે, પરંતુ આજદિન સુધી માત્ર ર૬ કેમેરા લગાવાયાં છે. આ તમામ કેમેરાનું હજુ સુધી પાલડીના કમાન્ડ સેન્ટર સાથે જોડાણ કરાયું ન હોઇ તમામ ફક્ત શોભાના ગાંઠિયા સમાન બન્યાં છે. આ દરમ્યાન આ અંગે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ તમામ પપ૪ જૂના સીસીટીવી કેમેરાને છ મહિનાથી મેન્ટેનન્સ માટે અપાયા ન હતા. જે માટે સંબંધિત વિભાગને તાકીદ કરાઇ છે. પોલીસના સર્વેલન્સ માટે પોલીસ કંટ્રોલરૂમથી આ કેમેરાનું મોનિટરિંગ થતું હોઇ મેન્ટેનન્સના પ્રશ્નનું નિરાકરણ લાવ્યાં બાદ તેને પોલીસતંત્રને સોંપી દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇ-ગવર્નન્સ સહિતના પ્રોજેકટનો હવાલો અગાઉ જે તે અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપાયો હતો, પરંતુ આ પ્રોજેકટમાં કેટલાક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની કાર્યક્ષમતા સામે તર્ક-વિતર્ક ઊઠતાં થોડા સમય પહેલાં કમિશનર વિજય નેહરાએ આસિસ્ટન્ટ કમિશનર પાસેથી પ્રોજેકટનો હવાલો છીનવી લઇને તેમને ફક્ત જે તે ઝોન પૂરતા મર્યાદિત કરી દેવાયાં છે, જો કે હાલમાં પણ ઇ-ગવર્નન્સ વિભાગમાં કેટલાક ઉચ્ચ અધિકારી મનમાની ચલાવતા હોવાનું મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાતું હોઇ આ બાબત પણ લાંબા સમયથી વિવાદાસ્પદ બની છે.

(10:19 pm IST)