ગુજરાત
News of Friday, 12th October 2018

પરપ્રાંતિયોને ધમકી સંદર્ભે વધુ ૧૦ ઝડપાયા : ધરપકડનો દોર

સાયબર ક્રાઈમ સેલ દ્વારા હજુ સુધી ૩૪ની ધરપકડ કરાઈ : પરપ્રાંતિયોમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા બનતા તમામ પ્રયાસો : પેટ્રોલિંગ તેમજ તપાસનો દોર યથાવતરીતે જારી : મેસેજો ઉપર અંકુશ મુકવાની જરૂર

અમદાવાદ, તા.૧૨ : સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા કરાયેલા દુષ્કર્મ બાદ અમદાવાદ જિલ્લામાં પરપ્રાંતીયોને કાઢી મૂકવા માટે સોશિયલ મીડિયા પર મેસેજ અને કંપનીઓમાં જઈ ધમકી આપવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ મેસેજ મારફતે પરપ્રાંતીયોને માર મારવાની વધુ એક ધમકીના કિસ્સામાં શહેરના સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજે ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ સાયબર ક્રાઇમ સેલ દ્વારા પરપ્રાંતીયોને ધમકીના પ્રકરણમાં અત્યારસુધીમાં ૩૪ આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર તેમજ સોશ્યલ મીડિયામાં પરપ્રાંતીયોને ધમકી આપવાના પ્રકરણમાં વધુ બે ગુના દાખલ કરાયા હતા અને કુલ ૧૨ શખ્સોની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી હોવાથી ગ્રામ્ય પોલીસે સમગ્ર પંથકમાં પેટ્રોલીંગ અને તપાસનો દોર તેજ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના બગોદરા ગામમાં રહેતા જિજ્ઞેશ જાદવ, સુરેશ રાવલ, જગમાલ ઠાકોર સહિતના લોકોએ જય ગજાનંદ નામના એક વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ ફરતો કર્યો હતો, જેમાં લખ્યું હતું કે ધોળી ગામ જીઆઈડીસીમાં એક હજાર કદવાઓને બહાર કાઢો તો એક હજાર ગુજરાતીના છોકરા નોકરીએ લાગી જાય. આવો મેસેજ વાઈરલ કરવામાં આવ્યો હતો. જે બાબતે બગોદરા પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કરી હતી અને કુલ છ શખ્સને સોશિયલ મીડિયામાં આવા વર્ગ વિગ્રહ ફેલાય તેવા ઉશ્કેરણીજનક મેસેજ ફોરવર્ડ કરતાં તેઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત  સોશિયલ મીડિયામાં પરપ્રાંતીયને નોકરીમાંથી કાઢી મૂકવા અને ભગાડવા માટેના મેસેજ તેમજ વીડિયો સંદર્ભે બાવળા પોલીસને એક વીડિયો મળ્યો હતો, જેમાં ૨૦થી ૨૫ લોકોનું ટોળું લાકડી અને હથિયારો સાથે એક ફેક્ટરી પર જઈ મજૂરોને ધાક-ધમકીઓ આપી ફેકટરી છોડી દેવા ધમકી આપતા હતા. બાવળા પોલીસે તપાસ કરતાં રાણેસર ગામની સીમમાં આવેલ અગ્રવાલ ટીએમટી ઈન્ડસ્ટ્રીઝની નામની કંપનીનો વીડિયો હોવાનું સામે આવ્યું હતું. ત્યાં જઈ પોલીસે ફેક્ટરીના અધિકારીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે, તા.૬ ઓક્ટોબરના રોજ રાણેસર ગામમાં રહેતા ચેહુભાઈ કોળી પટેલની આગેવાનીમાં ૨૦થી ૨૫ લોકોનું ટોળું કંપનીમાં આવ્યું હતું અને હાજર સ્ટાફને ગાળાગાળી કરી ફેક્ટરી છોડી જવા ધમકી આપી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસના સપાટા બાદ આજે અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચના સાયબર સેલ હરકતમાં આવ્યું હતું અને સોશ્યલ મીડિયામાં આ પ્રકારે પરપ્રાંતીયોને માર મારવાની ધમકી આપવાના વધુ એક કેસમાં ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે જ કુલ ધરપકડનો આંક ૩૪ ઉપર પહોંચ્યો હતો.

(8:23 pm IST)